જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ જવા એક્સ્ટ્રા બસ સંચાલન બુથનું ઉદ્દઘાટન
અબતક, દર્શન જોશી જૂનાગઢ
મહાશિવરાત્રી મેળા-22 માં એસ.ટી. નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધીનું સીટી સંચાલન 50 મીની બસો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનું ભાડું નિયમ મુજબ રૂપિયા 20 રાખવામાં આવેલ છે.
મેળા દરમિયાન ગુજરાતના અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 225 મોટી બસો તેમજ રાજકોટ , જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 75 બસો આમ કુલ 350 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે. ઉપરાંત વધારે ટ્રાફિક પ્રમાણે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરેલ છે. તેમજ મુસાફર જનતાની વધુ સુવિધા માટે ભવનાથ ખાતે સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધી અને જૂનાગઢ બસ સ્ટેશન ખાતે રાઉન્ડ ધ ક્લોક ઓનલાઇન બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. તેનો યાત્રિકો, મુસાફરોને લાભ લેવા જૂનાગઢ એસ.ટી. વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે. દરમિયાન ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ દ્વારા મહાશિવરાત્રી મેળા-22ના એકસ્ટ્રા બસ સંચાલન અંગેના બુથનું ઉદ્દઘાટન આગામી તા. 25મી ફેબ્રુઆરીએ સવારે 10-30 કલાકે એસ.ટી. બસ સ્ટેશન જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે.