કોરોના મહામારીથી આર્થિક સ્થિતિ તંગ હોય અને વ્યાજખોર મિલ્કત પડાવતા હોવાનું બહાર આવ્યું
લોક ડાઉન તથા અન લોક દરમિયાન લોકોના કામધંધા બંધ હોઈ, વ્યાજખોરો દ્વારા પઠાણી હપ્તાની ઉઘરાણી કરવામાં આવતા હોવાની તથા વ્યાજખોર દ્વારા લોકોને ત્રાસ આપતા હોવાની, ઉપરાંત વ્યાજખોરનું વ્યાજ નહીં ચૂકવી શકવાના કારણે મિલકતો પડાવવાના કારસાઓ કરતા હોવાની હકીકતો ખાનગી રાહે જાણવા મળતા, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરીના ત્રાસથી કોઈ વ્યક્તિને હેરાનગતિ હોય તો, એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નં. ૯૭૨૭૭૨૨૪૮૮ તથા આર.કે.ગોહિલ, ઇન્ચાર્જ પો.ઇન્સ., લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ મોબાઈલ નં. ૯૯૨૫૩૮૨૯૧૮ ઉપર અથવા પોલીસ કંટ્રોક રૂમ, જૂનાગઢનો સંપર્ક કરવા પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.
જૂનાગઢ પોલીસના વધુમાં જણાવ્યા અનુસાર જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેની ઓળખ ક્યાંય પણ જાહેર કરવામાં આવશે નહીં. જેથી, જૂનાગઢ પોલીસ વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવી શકે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે ફરિયાદીઓની અલગ અલગ ફરિયાદ આધારે બે ગુન્હાઓ દાખલ થયેલ છે. જે બને ગુન્હાઓના ફરિયાદીઓ પાસેથી તગડી વ્યાજની રકમ વસૂલ કરી, દુકાન, વાહનો તેમજ ઘર ઉપર કબ્જો કરવાની કોશિશ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ.ડાંગર દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.