- એકાએક રાજીનામાંથી તરહ-તરહની વાતો વહેતા જિલ્લા પોલીસ અધિક્ષકે કરી સ્પષ્ટતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ એકાએક રાજીનામુ ધરી દેતા તરહ-તરહની વાતો વહેતી થઇ હતી. ત્યારે સમગ્ર મામલે હર્ષદ મહેતાએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ જયારે ટ્રેનિંગમાં હતા ત્યારે જ પોતાને વચન આપ્યું હતું કે, તેઓ 50 વર્ષની વયે સેવા નિવૃત થઇ જશે જે વચન તેમણે પાળ્યું છે અને રાજીનામુ આપ્યું છે જેથી તર્ક વિતર્ક પર પૂર્ણ વિરામ આવી ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર અગાઉ રાજકોટ ખાતે એસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષદ મહેતા 31 જુલાઈ 2023 થી જૂનાગઢના એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જેઓ આજે સ્વૈચ્છાએ સેવા નિવૃત થયા છે. તેમના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ ગુન્હાખોરીને ડામવા સુધારાવાદી પ્રયોગો કરીને સમગ્ર રાજ્યમાં જાણીતા બન્યા હતા. વ્યાજખોરીને ડામવાની ઝુંબેશ, ડ્રગ્સની બદી સામે સે નો ટુ ડ્રગ્સનું અભિયાન, માનવતાની મહેક કે ગુંડાગીરીને નેસ્તે નાબુદ કરીને ગુજસીટોક, પાસા જેવા હથિયાર ઉગામી અનેક કામ તેઓએ જૂનાગઢના લોકોની સુરક્ષા અને સલામતી માટે કર્યા છે.
હર્ષદ મહેતાએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં મને ખુબ જ સંતોષ થયો છે. મને જે હેતુથી મોકલ્યો હતો તે તમામ કામો મેં જૂનાગઢના લોકો અને મારી સમગ્ર પોલીસની ટીમના સહયોગથી અને કોઇપણ ભારણ વગર પૂર્ણ કર્યાનો સંતોષ છે. નિવૃત્તિનો નિર્ણય તો મેં 2012 માં ટ્રેનિંગ સમયે જ લઈ લીધો હતો અને મારા સાથી મિત્રોને મેં અગાઉથી કહેલું જ હતું કે, 50 વર્ષની વયે હું જ્યાં પણ હોઈશ, નિવૃત્તિ લઈ લઇશ. મારા મનમાં જે કામ હતા તે પૂર્ણ કર્યાનો સંતોષ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢના દરેક ધર્મના લોકો, દરેક સંસ્થાના આગેવાનો, રાજકીય નેતાઓ અને આમ પ્રજામાંથી મને ખુબ જ પ્રેમ મળ્યો છે. તેમના સપોર્ટથી મને સારું આઉટપુટ મળ્યું છે. મારી પોલીસની સમગ્ર ટીમના સહયોગથી સિનીયર સિટીઝન, દિવ્યાંગ તેમજ વૃધ્ધાશ્રમના વડીલો સાથે રહીને તેમના માટે અનેક કામ કરવાનો મોકો મળ્યો,યુવાનો ડ્રગ્સની બદીમાં ધકેલાય નહી તે માટે એક મુહિમ ચાલવી રન ફોર જૂનાગઢ, સાયકલોથોન, હેપી સ્ટ્રીટ સહિતના સફળ આયોજનો કર્યા. ટ્રાફિક ઝુંબેશમાં પણ પરિવારના સભ્યોને હેરાનગતિ ના થાય તે માટે પોલીસને સમજણ આપી હતી.
શિક્ષકથી એસપી સુધીની રસપ્રદ સફર
હર્ષદ મહેતા અગાઉ શિક્ષક તરીકે લાંબો સમય સુધી ફરજ બજાવી ચુક્યા છે. તેમના કારકિર્દી અંગે જો વાત કરવામાં આવે તો તેઓ અમરેલીના ચલાલાના ગરમલી ગામના વતની છે. તેમણે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી 17 વર્ષની આયુમાં વડીયા કોલેજમાં પીટીસી પાસ કર્યુ હતું. બાદમાં અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં બી.એ.પાસ કરીને 1996 થી 1998 સુધી રાજકોટમાં સૌ.યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગમાં એમ.એ.કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો, અલીયાબાડામાં બી.એડ. કર્યું હતું. બાદમાં દમણની સેન્ટ્રલ સ્કુલમાં એક વર્ષ નોકરી કરી હતી. પછી તેઓ લાઠીની કલાપી સ્કુલમાં ઇંગ્લીશ ટીચર તરીકે 7 વર્ષ નોકરી હતી, 2001 માં જીપીએસસીની પરીક્ષા આપી તેમાં 6 માર્ક માટે રહી ગયા. પછી લાઠીની સરકારી નોકરી છોડી રાજકોટની ટી.એન.રાવ કોલેજમાં લેકચરર તરીકે રહ્યા, તે અરસામાં 2007 માં જીપીએસસી પાસ કરી 2011 માં પરિણામ આવ્યું અને 27 માં રેંક સાથે પાસ થઈને ડીવાયએસપી બન્યા. સૌ-પ્રથમ દાહોદના ડીવાયએસપી, બાદમાં રાજકોટમાં એસીપી, વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવી તેમની બોટાદ એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી, ત્યાથી સુરત ડીસીપી તરીકે ફરજ નિભાવી તેમને જૂનાગઢ એસપી તરીકે ફરજ સોપવામાં આવેલી અને આજે તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.\
આજે રોડ-શો થકી ભવ્ય વિદાય અપાશે
ગૃહ વિભાગે રાજીનામુ મંજુર કરી દીધા બાદ આજે બપોરે 4 કલાકે એસપી કચેરી ખાતેથી તેમનો ભવ્ય રોડ-શો યોજાશે. એસપી કચેરીથી બહાઉદિન કોલેજ ખાતે પહોંચશે અને અહી હર્ષદ મહેતાનું વિવિધ સંસ્થાઓ સન્માન કરીને વિદાયમાન આપશે. જ્યાં સુધી રેગ્યુલર એસપીની નિયુક્તિ ના થાય ત્યાં સુધી જૂનાગઢના એસપી તરીકેનો ચાર્જ કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કરને આપવામાં આવ્યો છે.