સોઇલ હેલ્થ કાર્ડ એટલે જમીનની કુંડળી
જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાના 516 ગામના ખેતરોમાંથી માટીના નમુના લેવામાં આવી રહ્યા છે. દરેક ગામમાંથી 10 નમુના લેવાશે. નમુના લેવાયેલ માટીનું “સ્વસ્થ ધરા ખેત હરા” પ્રોજેક્ટ હેઠળ પૃથ્થકરણ કરાશે.
સોઇલ હેલ્થ કાર્ડ એટલે જમીનની કુંડળી જેમાં જમીનનો પ્રકાર, જમીનમાં લભ્ય પોષક તત્વો, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ વગેરે વિગતો મળે છે. જમીનમાં પાક વાવેતર, ખાતરના વપરાશ તેમજ પાક ઉત્પાદનમાં સોઇલ હેલ્થ કાર્ડની મહત્વની ભુમિકા છે. હાલ 4 હજારથી વધુ નમુના લેવાઇ ગયા છે. અને હજુ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગ્રામ સેવક દ્વારા નમુના લેવામાં આવી રહ્યા છે.
જિલ્લાના પ્રત્યેક ગામમાંથી 10 નમુના મુજબ 5160 નમુના લઇ જમીનની ગુણવત્તા જાણવા માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલાશે. નમુનાના પૃથ્થકરણ બાદ ક્યા પાક માટે જમીન ઉત્તમ છે, તે જાણી શકાશે. પૃથ્થકરણ મુજબ ખેડૂતોને પાક વાવેતર, માવજત તેમજ ખાતર બિયારણની ભલામણ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જી.એસ. દવેએ જણાવ્યું છે.