- ચોખાના બોરાની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ
જુનાગઢ: રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણને ડામવા માટે પોલીસ તંત્ર સતર્કતાપૂર્વક કાર્યવાહી કરી રહ્યું છે. બુટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે અવનવી તરકીબો અપનાવવામાં આવતી હોય છે, પરંતુ બાતમી આધારે પોલીસ આવી પ્રવૃત્તિઓને પકડી પાડવામાં સફળ રહી છે. આવી જ એક સફળ કાર્યવાહીમાં, શીલ પોલીસને ચોખાના બોરાની આડમાં મોટા પ્રમાણમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
શીલ પોલીસ સ્ટેશન દ્વારા દરસાલી ગામ નજીક એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ચોખાના બોરાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં મહિલા પીએસઆઇ એસ.એ.સોલંકી અને તેમના પોલીસ સ્ટાફને સરકારી ખરાબા વિસ્તારમાંથી એક ટ્રક સાથે બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.
પોલીસને ગઈકાલે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તુરંત જ સક્રિય થઈને કાર્યવાહી કરી હતી. બાતમી મુજબ, ટ્રક નંબર GJ-11-VV-3676માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે વોચ ગોઠવીને આ ટ્રકને આંતરીને તેની તલાશી લીધી હતી.
ટ્રકની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં ઉપર ચોખાના ૨૩૫ બાચકા ભરેલા હતા, પરંતુ તેની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે દારૂ, બીયર, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹૨૧,૧૬,૮૦૬/- (એકવીસ લાખ સોળ હજાર આઠસો છ) ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતવાર યાદી મુજબ, તેમાં ૪૯૨ બોટલ ઇંગ્લિશ દારૂ (અંદાજે કિંમત ₹૧,૯૪,૮૫૬/-), ૧૧૨ ટીન બીયર (અંદાજે કિંમત ₹૧૧,૨૦૦/-), બે મોબાઇલ ફોન (અંદાજે કિંમત ₹૨૦,૦૦૦/-), રોકડા ₹૩,૦૦૦/-, ૨૩૫ નંગ ચોખાના બાચકા (અંદાજે કિંમત ₹૩,૮૭,૭૫૦/-) અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલો આઇસર ટ્રક (અંદાજે કિંમત ₹૧૫,૦૦,૦૦૦/-) નો સમાવેશ થાય છે.
આ મામલે પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓ – જુનાગઢના જામવાડી ગામના રહેવાસી રીઝવાન ઉમરભાઈ લાખા (ઉ.વ. ૨૫) અને ઇરફાનશા રફીકશા સર્વદી (ઉ.વ. ૨૦) – ને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું હતું કે દારૂનો આ જથ્થો રાજસ્થાનના ફતેહપુરથી ભરીને લાવવામાં આવ્યો હતો અને તે દરસાલી ગામના મેહુલ રબારી નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો.
શીલ પોલીસે બંને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ, જેમાં દારૂ મંગાવનાર મેહુલ રબારી અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય ઈસમોનો સમાવેશ થાય છે, તેમની શોધખોળ માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ: નીતિન પરમાર