જૂનાગઢ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ આજથી 12 વર્ષ પહેલા માર્કશીટમાં ચેડા કરી, પી.એસ.આઈ.નો ઊંચો હોદ્દો મેળવવા ખોટા દસ્તાવેજો ઉભા કરી, કરેલ છેતરપિંડી સહિતના ગુનામાં કેશોદ કોર્ટે આરોપીને સાત વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફરકાવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ કર્મી પોલાભાઈ ટીડાભાઈ કરમટા એ કેશોદની એલ.કે. હાઈસ્કૂલમાં વર્ષ 2009 માં ધોરણ 12 ની પરીક્ષા આપી હતી, અને એપ્રિલ 1986 માં અર્થશાસ્ત્ર તથા વાણિજ્ય ગણિત અને એકાઉન્ટ માં નાપાસ થયેલા હોવા છતાં, આ માર્કશીટ માં છેડછાડ કરી, સુધારો કર્યો હતો અને 35 માર્કસ બતાવી પોતે 12 ધોરણ પાસ હોવાનું છેતરપિંડી કરવાના ઈરાદે ખોટા રેકોર્ડ કરી, ઠગાઇ કરવાના હેતુથી ખોટું રેકોર્ડ ઊભું કરી, પીએસઆઇની સ્પર્ધાત્મક પરિક્ષા 2009 માં તેનો ઉપયોગ કર્યો હતો. જે અંગેની માર્કશીટની ખરાઈ કરાયા બાદ જાણમાં આવતા પોલીસ કર્મી સામે 420, 465, 467, 471 મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. અને બાદમાં ચાર્જશીટ રજૂ થતા આ આ કેસ કેશોદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલ્યો હતો.
આ કેસમાં સરકારી વકીલ એમ.એલ. સૈયદ દ્વારા ફરિયાદી સહિત નવ જણાની જુબાની અને 12 જેટલા સાંયોગિક પુરાવા રજૂ થયા હતા અને ધારદાર રજૂઆત બાદ કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કપિલ આર. ગોહિલે પોલીસ કર્મી સામે ઈપીકો 420 કલમ અંતર્ગત 7 વર્ષની સાદી કેદની સજા તથા પ હજારનો દંડ, ઇપીકો 467 માં 2 વર્ષની કેદ અને પ હજારનો દંડ, ઇપીકો 468 માં 7 વર્ષની કેદ અને પ હજાર રૂપિયાનો દંડ તથા ઇપિકો 471 માં 2 વર્ષની કેદ અને પ હજારનો દંડ ફટકાર્યો હતો અને આ તમામ સજા એક સાથે ભગવા માટેનો હુકમ કર્યો હતો.
આ કેસમાં કેશોદ અદાલતે નોંધ્યું હતું કે આરોપી જે તે વખતે પોલીસમાં ફરજ બજાવતા હતા અને કાયદાના જાણકાર હોવા છતાં ઉંચો હોદો અને આર્થિક લાભ .મેળવવા આ ગુનો આચરેલ છે, ત્યારે તેને પ્રોબેશનનો લાભ આપવો યોગ્ય જણાતો નથી અને પોલીસ કર્મી જ્યારે આ પ્રકારનો ગુનો કરે ત્યારે ચોક્કસપણે અદાલતે આ બાબતને વધુ ગંભીરતાથી લેવી જોઈએ તેવું માની આરોપીને તકસીરવાન ઠરાવી આ સજાનો હુકમ કર્યો હતો.