વંથલી પંથકના એક યુવાનને ઘરે બેસી રોજના 4200 રૂપિયા કમાવાની લાલચ ભારે પડી છે. ઈન્સ્ટાગ્રામ માંથી આવેલા એક ફોન બાદ અજાણ્યા શખ્સે ટાસ્ક પૂરા કરવાના નામે રૂ. 20 લાખથી વધુની રકમ પડાવી લેતા આ અંગેની સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આ છેતરપિંડી આચરનાર સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.
સાયબર ગઠીયાએ ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાનું કહી કટકે કટકે પૈસા ખંખેર્યા
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વંથલી તાલુકાના ઉમટવાળા ગામે રહી ખેતી કામ કરતા 47 વર્ષીય નિલેશ પોપટભાઈ ભૂતને ઈન્સ્ટાગ્રામ માંથી કોઈ અજાણ્યા શખ્સનો તા. 8 જુલાઈના રોજ ફોન આવ્યો હતો. અને તેમાં ઘરે બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવાના બહાને રોજના રૂ. 2200 થી 4200 રૂપિયા કમાવાની લાલચ આપવામાં આવી હતી. જેથી નિલેશભાઈ આજાણ્યા શખ્સની વાતોમાં આવી ગયા હતા. અને તેમણે ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ પરના અલગ અલગ ટાસ્ક પૂરા કરવા અન્ય લોકોને પણ તેની સાથે જોડી પૈસા જમા કરાવતા હતા. અને માત્ર 11 દિવસમાં નિલેશભાઈએ અલગ અલગ પાંચ જેટલા બેંક ખાતામાં રૂ. 42,44,150 ભરવડાવી ટાસ્ક પૂરો કર્યો હતો. જો કે, આ ટાસ્ક પૂરો થયા બાદ પૈસા પરત ન થતા તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા, અંતે તેઓએ જુનાગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ મામલે જુનાગઢ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ દિશામાં તપાસ આદરવામાં આવી છે. અને ઉંમટવાડા ગામના યુવાન સાથે ઠગાઈ કરનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.