સાડા ચાર વર્ષની ઉંમરે અભ્યારણમાંથી ઘાયલ અવસ્થામાં રેસ્કયુ કરીને સક્કરબાગ લવાયેલા ‘ધીર’ની સારવાર, માવજત,
કારગત પૂરવાર થઇને ‘ધીર’ બન્યો વિશ્વનો સૌથી વધુ જીવનાર સિંહ
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વિશ્વનાકેટલાંક સૌથી પ્રાચીન અને એશિયાનું સૌથી સમૃદ્ધ પ્રાચીન સંગ્રહાલય માનવામાં આવે છે. બ્રીટીશ વખતમાં નવાબ રાજવીઓની દીર્ધદ્રષ્ટિ, પર્યાવરણ પ્રેમના પ્રતિક એવા જૂનાગઢ સક્કરબાગુ ઝુના સિંહ સંવર્ધન અને માવજતને લઈ વધુ એક જસ નોંધાયો છે. સક્કરબાગમાં 2004માં જંગલ વિસ્તારમાંથી ઘાયલ અવસ્થામાં રેસ્કયુ કરીને લાવવામાં આવેલા સિંહ ‘ધીર’ વિશ્વમાં સૌથી વધુ 22 વર્ષની આયુષ્ય ભોગવ્યાનું નોંધાયું છે ‘અબતક’ના પ્રતિનિધિ દર્શન જોશી સાથે આરએફઓ નિરવ મકવાણાએ વિસ્તૃત વાતચીત કરતા જણાવ્યું હતું કે, સક્કરબાગમાં એશિયાટીક સિંહોનું જતન-સંવર્ધન અને જીનીંગપુલનું મેન્ટેનન્સ થાય છે, અહીં સિંહોની માવજતમાં કોઈ કચાસ રહેતી નથી.
સિંહનું આયુષ્ય સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં 8 થી 10 વર્ષ ગણવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ મહત્તમ રીતે 12 થી 15 વર્ષ જીવે છે. 22 વર્ષ સુધીની આયુ ભોગવનાર ધીર અંગેની હિસ્ટ્રી જણાવતા આરએફઓ નિરવ મકવાણાએ ઉમેર્યું હતું કે, 2004માં વન વિસ્તાર અભ્યારણ્યમાંથી ઘાયલ અવસ્થામાં રેસ્કયુ કરીને સક્કરબાગમાં લવાયેલા ‘ધીર’ની રેસ્કયુ અને ઈજાની ટ્રીટમેન્ટ આપ્યા બાદ પબ્લીક પ્રેઝેન્ટેશનમાં મુકવામાં આવ્યો હતો. સાડા ચાર વર્ષથી 15 વર્ષ સુધી પબ્લીક પ્રેઝન્ટેશનમાં મુકાયેલા ધીરને સક્કરબાગના નિયમ મુજબ 15 વર્ષ બાદ નિવૃત કરવામાં આવ્યો હતો અને તેને પબ્લીક ડિસ્પ્લેથી દૂર રાખવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સિંહ 12 થી 15 વર્ષ જીવે છે પરંતુ સક્કરબાગની સારી સુવિધા, સારવાર અને નિષ્ણાંતોના સતત માર્ગદર્શનના કારણે ધીર તંદુરસ્ત રીતે 22 વર્ષ જીવ્યો હતો.
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ હિસ્ટ્રીમાં કદાચ સક્કરબાગમાં 22 વર્ષ જીવીને મૃત્યુ પામેલા ધીરનું આયુષ્યકાળ વિક્રમસર્જક ગણાય, 22 વર્ષ સુધી કોઈ સિંહ જીવ્યાનું હજુ સુધી નોંધાયું નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સક્કરબાગમાં સૌથી વધુ સિંહબાળ જન્મવાના રેકોર્ડ છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાટીક સિંહોનું જીનીંગપુલ મેનેજમેન્ટ સેન્ટર હોય અને એશિયાટીક સિંહોની નસલ જળવાઈ રહે તે માટે કાર્યક્રમો ચાલે છે. સક્કરબાગમાં સિંહો ઉપરાંત દિપડાઓ અને અન્ય દુર્લભ પ્રજાતીઓની દેખભાળ માટે ખાસ કેર સેન્ટર ચલાવવામાં આવે છે.