કારીગરોના રહેઠાણ સહિતના વિસ્તારોમાં સેનીટાઈઝ શરૂ કરાયું
જૂનાગઢ સહિત સમગ્ર દેશના પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર લોક ડાઉન ની પરિસ્થિતિઓ વચ્ચે મળી રહ્યા છે, તે મુજબ જૂનાગઢના ગીરનાર રોપ વે નું કામ અધૂરું રહેલું કામ હવે ગણતરીના દિવસોમાં શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
લોક ડાઉન ના કારણે બંધ રહેલા રોપવેનું કામ અટવાઈ જશે તેવી સૌ કોઈને દહેશત હતી. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રોપ-વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી જુનાગઢ સહિતના રાજ્યના રાજકીય નેતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેક રજુઆતો થવા પામી હતી, જેના પગલે જૂનાગઢના ગીરનાર રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તેવી ઉચ્ચકક્ષાએથી સૂચનાઓ મળતા, જુનાગઢ ગિરનાર ઉપરના રોપવેનું કામ કરતી ઉષા બેક્રો કંપની દ્વારા રોપવેનું કામ ફરી ધમધમતું થાય તે માટે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી હાથ ધરાઈ રહ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે.
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના સૌથી મોટા રોપ વેની જે જગ્યાએ કામગીરી થઈ ગઈ છે અને જે જગ્યાએ રોપવેનો સામાન પડ્યો છે તે તમામ જગ્યાઓને શેનીતાઇઝ કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત આજે રોપ-વેની કામગીરી કરતા મજૂરો અને કારીગરોના રહેઠાણ, ઝૂંપડા સેનીટાઈઝ કરી દેવામાં આવ્યા છે અને બાકીના વિસ્તારોમાં પણ સેનીટાઇઝની કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવી છે.
આ ઉપરથી જણાઈ રહ્યું છે કે, આગામી ગણતરીના દિવસોમાં જ રોપ વેની કામગીરી શરૂ કરવામાં આવશે, અને શક્ય તેટલી વહેલી આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે, કારણ કે, ખુબ જ ટુંકા દિવસોમાં વર્ષાઋતુનો પ્રારંભ થવાનો છે અને ગિરનાર પર્વત ઉપર વરસાદનું પ્રમાણ વધુ રહેવા રહેતું હોવાથી તેમજ ખડકો અને પગથીઆ વિસ્તાર ચીકણા બની જતા હોવાની સાથે ગિરનાર ઉપરથી ઝરણા સ્વરૂપે ખૂબ પાણી વહેતું હોય જેના કારણે રોપ-વેની કામગીરી ચોમાસા ઋતુ દરમિયાન કરવી ખૂબ જ કપરી હોય ત્યારે બાકી કાર્ય સત્વરે આટોપી લેવાય તે માટેની હવે તમામ તૈયારીઓ થઇ ચૂકી છે, અને ગણતરીના દિવસોમાં જ આ કામગીરી શરૂ કરી ખૂબ ટૂંકાગાળામાં રોપવે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવે તે માટેની તજવીજ હાથ ધરાઇ છે. જે જૂનાગઢના લોકો માટે ખૂબ જ આનંદના સમાચાર છે કારણ કે જુનાગઢ ગિરનાર રોપ-વે એ જુનાગઢ ની જીવાદોરી સમાન જોવાઇ રહી છે.
આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર જવા માંગતા અશક્ત, વૃદ્ધ, નાના બાળકો તથા યુવા પ્રવાસીઓ માટે પણ અદભૂત સહેલ કરાવનાર ગીરનાર રોપવે નજીકના દિવસોમાં શરૂ થવાની છે ત્યારે આ સમાચાર જૂનાગઢ સહિત સમગ્ર દેશ વિદેશનાં પ્રવાસીઓ માટે ખુશીની બાબત મનાઈ રહ્યા છે.