સંતો, મહંતો, મેયર, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢની બહાઉદીન કોલેજથી સરદાર પટેલ સભા ગૃહ, કૃષિ યુનિવર્સિટી સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ઇન્દ્રભારતી બાપુ, ગીરનારના સંતો, પદાધિકારીઓ,અધિકારીઓ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.
ભારતના આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા સહિતના વિવિધ વિભાગો દ્વારા હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, હોમગાર્ડ પોલીસ જવાનો, એનએસએસ, કેડેટ્સ એનસીસી કેડેટ્સ, સરકારી શાળા કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક કલાકારો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ, મનપા કમિશનર રાજેશ તન્ના, ડીસીએફ. સુનિલ બેરવાલ, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, પ્રદીપભાઈ ખીમાણી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા યાત્રા બાદ દેશભક્તિના ગીતો આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર પટેલ સભા ગૃહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં હર ઘર ત્રિરંગા ગીતનું લોન્ચિંગ તથા સંકલ્પ પત્રનું વાચન કરવામાં આવ્યું હતું.