- ફરાર સાગર નવઘણ મુંધવાને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતની પોલીસ દોડતી થઇ
- દુષ્કર્મ કેસનો આરોપી જેલમાં ખીલી ખાઇ જતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયો’તો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ જૂનાગઢ જેલના કેદીએ હોસ્પિટલ કેમ્પસમાં કોન્સ્ટેબલની આંખમાં મરચાંની ભૂકી છાંટી નાસી ગયો હતો. કેદીના ફરાર થઇ જવાથી પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ફરાર થયેલા સાગર નવઘણને શોધી કાઢવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને પ્ર.નગર પોલીસ દોડતી થઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના વતની સાગર નવઘણ મુંધવા (ઉ.વ.30) સામે કેશોદ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે સાગરની ધરપકડ કરી તેને જૂનાગઢ જેલહવાલે કર્યો હતો. પાંચેક દિવસ પહેલાં સાગરે જૂનાગઢ જેલમાં ખીલી ખાઇ લીધી હતી. લોખંડની ખીલી ખાઇ લેનાર સાગરને જૂનાગઢ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લોખંડની ખીલી કાઢવા માટે સર્જરી કરવાનો તબીબોએ નિર્ણય કર્યો હતો.
તબીબોએ સાગર મુંધવાને કેળા ખવડાવવાનું કહેતા જાપ્તાના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારણભાઇ બાબરિયા કેદી સાગરને લઇને હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટીને લઇને ગયા હતા. કોન્સ્ટેબલ બાબરિયાએ કેળા ક્યાંથી મળશે તે અંગેની પૃચ્છા કરી હતી. દરમિયાન કેદી સાગરે પોતાના પેન્ટના ખિસ્સામાં રહેલો રૂમાલ કાઢ્યો હતો અને રૂમાલમાં રહેલી મરચાંની ભૂકી કોન્સ્ટેબલ બાબરિયાની આંખમાં છાંટી દીધી હતી. અચાનક જ હુમલો થતાં અને આખમા મરચું છંટાતા કોન્સ્ટેબલ બાબરિયા આંખો ચોળવા લાગ્યા હતા તે સાથે જ કેદી સાગરે કેન્ટીન બહાર દોટ મૂકી હતી. સ્વસ્થ થયા બાદ કોન્સ્ટેબલ બાબરિયાએ દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને બાબરિયા સહિત ત્રણેક લોકો કેદી સાગર ભાગ્યો હતો તે દિશામાં દોડ્યા હતા, પરંતુ કોઠી કમ્પાઉન્ડની દીવાલ કૂદીને સાગર અદૃશ્ય થઇ ગયો હતો. આ મામલે અંતે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બાબરિયાએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેદી સાગર મુંધવાની સર્જરી કરવાનું તબીબોએ નક્કી કર્યું હતું. કેદીનું ઓપરેશન કરવાનું હોવાથી જેલ તંત્ર દ્વારા કેદીના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. સાગરની સર્જરીની જાણ થતાં સોમવારે બપોરે સાગરની માતા સહિત ત્રણ મહિલા અને એક પુરુષ સાગરને મળવા આવ્યા હતા. વોર્ડમાં સાગરને મળ્યા બાદ તેઓ રવાના થઇ ગયા હતા. સાગરે કોન્સ્ટેબલ બાબરિયાને મરચાંની ભૂકી છાંટી તે તેના પરિવારજનો આપી ગયાની શંકા સેવાઇ રહી છે અને આ મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.