આગામી ૧૪ નવેમ્બરના રોજ પૂજય જલારામબાપાની જન્મજયંતી હોય આ દિવસે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે જૂનાગઢ ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર માત્ર લોહાણા જ નહીં તમામ જ્ઞાતીના લોકો જેને પૂજય માને છે અને જેના દર્શન કરી પ્રસાદ લઈ કૃતાર્થનો ભાવ પ્રગટ કરે છે તેવા જલારામ બાપાના જન્મદિવસે રજા જાહેર કરવા માંગ ઉઠી છે.
આ અંગે લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ, રઘુવિર સેના તેમજ લોહાણા જ્ઞાતીના અન્ય સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. જલારામ બાપા સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજ માટે તો શ્રધ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે.
ઉપરાંત તમામ ધર્મ અને જ્ઞાતીના લોકો માટે પણ એટલા જ પૂજનીય છે. તમામ જ્ઞાતીના લોકો વર્ષભર તેમના દર્શનાર્થે આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. જૂનાગઢના હિરેનભાઈ રૂપારેલીયાની આગેવાનીમાં રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું હતું.