હજુ પણ 25 હજારથી વધુ ખેડૂતોને એસ.એમ.એસ.થી જાણ કરાઇ હોવાનું જણાવતા પૂરવઠા મામલતદાર
જૂનાગઢ જિલ્લામાં 8 માર્ચથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી ચાલી રહી છે. તો બીજી બાજુ ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સરકારે 68 કરોડથી વધુની રકમનું ખેડૂતોને ચૂકવણું કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે જૂનાગઢના ડિસ્ટ્રીક સપ્લાયર મામલતદાર એન.કે.મોરીના જણાવ્યા અનુસાર, આ વખતે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણા તથા ઘઉં વેચવા માટે કુલ 56,319 ખેડૂતોએ પોતાની જણસી ટેકાના ભાવે વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જેમાં 83,627.5 ક્વિન્ટલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઇ છે, જ્યારે 1,13,057.5 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી છે. આમ, કુલ 1,96,685 ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે.
એસએમએસ દ્વારા જાણ કરાયા બાદ ટેકાના ભાવે ઘઉં વેંચવા માટે 1553 ખેડૂતો જ્યારે ચણાના વેંચાણ માટે 11,615 ખેડૂતો આવ્યા હતા. આમ, કુલ મળી 13,168 ખેડૂતો વેંચાણ માટે આવ્યા હતા. ઘઉંનું વેંચાણ કરેલા 1553 ખેડૂતો પૈકી 1310 ખેડૂતોને પેમેન્ટ ચૂકવાઇ ગયું છે. જ્યારે ચણાનું વેંચાણ કરેલા 11,615 ખેડૂતો પૈકી 10,933 ખેડૂતોને પેમેન્ટ ચૂકવાઇ ગયું છે. આમ, કુલ 13,168 ખેડૂતોએ કરેલા ટેકાના ભાવે વેંચાણ પૈકી 12,243ને રકમ પણ ચૂકવાઇ ગઇ છે.
જૂનાગઢ જિલ્લામાં હવે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવેલા 5,921 ખેડૂતોને જ્યારે ચણાનું રજીસ્ટ્રેશન કરાવેલ 19,580 ખેડૂતોને બોલાવવાના બાકી છે. આમ, કુલ 25,501 ખેડૂતોને એસએમએસથી જાણ કરી ટેકાના ભાવે ઘઉં અને ચણાના વેંચાણ માટે બોલાવવામાં આવશે.