નરસિંંહ મહેતા યુની.માં વધુ એક છબરડો
વિદ્યાર્થીના હોબાળા છતા દાદ ન આપતા યુની. સામે ડો. નિશીત બારોટ મેદાને પડતા પગલા લેવાયા
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેમેસ્ટર 1 ના પેપર માં સેમેસ્ટર 2 ના પ્રશ્નો પૂછી છબરડો કરનાર અધ્યાપકને રૂ. 5,000 નો દંડ અને પરીક્ષા પદ્ધતિ માંથી એક વર્ષ માટે દૂર કરવા જેવા આકરા પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1 ની એક વર્ષ પહેલા લેવાયેલી હિન્દી મેથડના પેપરની પરીક્ષામાં સેમેસ્ટર 2 ના અમુક પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે હોબાળો બચ્યો હતો. અને યુનિવર્સિટીએ પણ પોતાની ભૂલ સુધારી મામલા પર ઢાંક પીછોળો કરવા વિદ્યાર્થીઓને તે પ્રશ્નના ગુણ આપીને મામલો રફેદફે કર્યો હતો.
જો કે, આ મામલાને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા ડો. નિશીત બારોટે યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ કરી હતી. પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી ન થતા ભારત સરકારના પીએમઓના પોર્ટલ ઉપર પણ આ બાબતે ફરિયાદ થઈ હતી. અને બાદમાં રાજ્ય સરકારને તપાસ કરવા જણાવતા રાજ્ય સરકારે કુલપતિને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું બાદમાં યુનિ.ના કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિમવામાં આવી હતી.
દરમિયાન યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી દ્વારા નિમાયેલા કમિટીના રિપોર્ટ મુજબ જે અધ્યાપકે પ્રશ્ન પેપર કાઢ્યા હતા તેમણે જ પ્રશ્ન પેપર તપાસયા હતા. અને તેઓએ બે પ્રશ્નો બહારના પૂછ્યા હોવાનું સામે આવ્યુ હતું, જેને લઈને સેમેસ્ટર 1 નું હિન્દી વિષયનું પેપર કાઢનાર અધ્યાપક મહેશ જોધાણી સામે સજા રૂપે રૂ. 5,000 નો દંડ કરી વસૂલ કરવામાં આવ્યા છે, અને તેમને પરીક્ષા પદ્ધતિ માંથી એક વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે.