આગોતરા આયોજન માટે યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારીઓને સાયકલોન સેન્ટર, આશ્રય સ્થોળોની મુલાકાત લેવા તથા તલાટી મંત્રીઓ, કર્મચારીઓની હેડક્વાર્ટરમાં હાજર રહેવા અપાઈ સ્પષ્ટ સૂચના
તરવૈયા, જેસીબી, બુલડોઝર તથા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની સ્વયંસેવકોની અદ્યતન યાદી તૈયાર કરવા સુચના
જુનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે જિલ્લામાં આગામી વર્ષાઋતુ ચોમાસા દરમિયાન સંભવિત પુર, વાવાઝોડું સહિતની આપદાઓને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારીઓને સાયકલોન સેન્ટર, આશ્રયસ્થાનની આગોતરી મુલાકાત લેવા, તરવૈયાઓ, જેસીબી, બુલડોઝર સહિતના સાધનોની અધતન યાદી રાખવા, ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇ તૈયારી કરવા, રેઇન ગેજ મશીનની ચકાસણી, નીચાણવાળા વિસ્તારોની વિશેષ કાળજી લેવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
આગામી ચોમાસામાં સંભવિત પુર વાવાઝોડા સહિતના જોખમોને પહોંચી વળવા આગોતરા આયોજન અર્થે કલેકટર કચેરી જૂનાગઢ ખાતે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટર રાજે જિલ્લાના તમામ પુલ પર રેલીંગની આવશ્યકતા જણાવી, દરિયાકાંઠાના તેમજ વધુ અસરગ્રસ્ત બનતા તેમના દરિયાકાંઠાના વિસ્તારોમાં અગાઉના અનુભવોને આધારે આગોતરું આયોજન કરવા તાકીદ કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર આર એમ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં જૂનાગઢ કોર્પોરેશન અને નગરપાલિકા સહિતનાં શહેરી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન કોઇ મુશ્કેલી ના પડે તેમજ પાણીના વહેણ, વોકળાની સફાઇ સહિતની બાબતોની કાળજી લેવા જણાવ્યું હતું.
ભારે વરસાદમાં સિંચાઇના ડેમમાંથી પાણી છોડવાના સંજોગોમાં ગામલોકો, આગેવાનોને સાવચેત કરવા અસરકારક વ્યવસ્થાતંત્ર સુદ્રઢ રાખવા, ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ કર્મચારીઓની હેડક્વાર્ટરમાં હાજરી, માછીમારોને ચેતવણી આપવી, પર્ટ પર લેવાની તકેદારી, રાઉન્ડ ધ ક્લોક તાલુકા સ્તરે તેમજ વિવિધ વિભાગના કંટ્રોલરૂમ કાર્યરત કરવા, અવિરત વીજ પુરવઠો રાખવા સહિતની બાબતો અંગે જિલ્લા કલેકટર રચિત રાજ એ માર્ગદર્શન આપ્યું હતું.