વારંવાર અનેક ફરિયાદો પછી શરૂ થયેલ વિજીલન્સ તપાસ જો કાયદેસર ચાલશે તો અનેકની પોલ ખુલશે
જુનાગઢ સમાજ સેવાનું કામ કરતા કોઈ રાજકીય પક્ષ સાથે ન જોડાયેલા ગરીબ પરીવારમાંથી આવેલા અને શ્રમિક તરીકે જીવન વિતાવતા જુનાગઢના જાગૃત નાગરિક દિલીપસિંહ સોલંકીએ એક સમયે મનપા સામે રીતસર મોરચો માંડયો હતો. આર.ટી.આઈ એકટીવીસ્ટ તરીકે કામગીરી કરી અનેક માહિતીઓ એકઠી કરી ગાંધીનગરની વડી કચેરીઓને તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રીતસર ઢંઢોળ્યા હતા. આખરે સરકારમાંથી પૂર્વ કમિશનર સામે વીજીલીયન્સ તપાસના આદેશો થતા તેમણે નિરાંત સાથે સંતોષની લાગણી વ્યકત કરી હતી. તેમજ પૂર્વ કમિશનર વી.જે.રાજપુતના કાર્યકાળ દરમિયાનના તમામ કૌભાંડોની તપસ્થ તપાસ થાય ત્યાં સુધી આવા ગંભીર પ્રકારના આક્ષેપોવાળા કમિશનરને ગુજરાતમાં કોઈપણ જગ્યાએ નિમણુક ન આપવા ગુજરાતના ચીફ સેક્રેટરી સહિત ઉચ્ચકક્ષાએ અનેક જગ્યાએ રજુઆત કરી હતી.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના પૂર્વ કમિશનરના કાર્યકાળ દરમિયાન અનેક કૌભાંડો ચર્ચામાં આવ્યા હતા. જેમાં મુખ્ય કૌભાંડોમાં કર્મચારીઓને બઢતીનું, ગેરકાયદેસર વાહન વેચી મારવાનું, ગ્રીન કૌભાંડ, દામોદર કુંડ તેમજ કચરાના કોન્ટ્રાકટ સહિતના અનેક કૌભાંડો તબકકાવાર અખબારી માધ્યમોમાં ગાજયા હતા. તાજેતરમાં ગાંધીનગરથી વીજીલીયન્સ તપાસ આવતા ભ્રષ્ટાચાર સામે લડનારાઓમાં રીતસર આનંદની લહેર દોડી જવા પામી હતી. સાથે-સાથે ભુતકાળમાં મનપામાં થયેલ કૌભાંડોની તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર સામે કમિશનર વી.જે.રાજપુતના સમયમાં અવાજ ઉઠાવનારાનો અવાજ દબાવવા મનપાના આસી.કમિશનર સહિતના કર્મચારીઓનો ખોટી ફરિયાદો કરવા માટે ઉપયોગ થયો હોવાનું વર્તમાન કમિશનર સોલંકી તેમજ આસી.કમિશનરને લેખિતમાં આ અંગે તપાસ કરી ખોટી ફરિયાદોમાં હાથા બનનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા દિલીપસિંહે જણાવ્યું હતું પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પગલા ન લેવાતા તેની પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
જુનાગઢ સ્થાનિક એસઈબી કચેરીથી લઈ ગાંધીનગર અને અમદાવાદની વડી કચેરીઓને અનેક આધાર પુરાવાઓવાળી ફરિયાદો થવા છતાં અત્યંત વિલંબથી કાર્યવાહીઓ શરૂ થતા ભ્રષ્ટાચારની ગંદકીમાં ગળાડુબ આ લોકોના છેડા કયાં સુધી પહોંચતા હશે તેની ચર્ચા હાલ બુદ્ધિજીવી નાગરિકોમાં ચાલી રહી છે.