દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ. 8.54 લાખનો મુદામાલ કબ્જે કર્યો ત્રણની શોધખોળ
જુનાગઢમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી, કારને આંતરી લઇ, કારમાંથી એક શખ્સને દબોચી લઈ, રૂ. 3.84 લાખનો વિદેશી દારૂ પકડી પાડી, કુલ રૂ. 8.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, આ દારૂની હેરાફેરીમાં 3 શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે આ ત્રણ શખ્સોને શોધી કાઢવા ચક્ર ગતિમાન કર્યા છે. જૂનાગઢના વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા સી ડિવિઝન પીએસઆઇ જેજે. ગઢવી સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે જુનાગઢ તરફ એક કાર આવી રહી છે તેમાં દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે જુનાગઢ પોલીસ ભૂતનાથ ફાટકે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
તે દરમિયાન જીજે 05 સીજે 2223 નંબરની કાર ભુતનાથ ફાટક પાસે નીકળી હતી, પરંતુ પોલીસને જોઈ કાર ચાલકે પોતાની કાર સદેડાટ ત્યાંથી ભગાવી મૂકી હતી જેનો જુનાગઢ પોલીસે પીછો કર્યો હતો અને આ કારને ગેંડા અગર રોડ પાસે આંતરી લીધી હતી. ત્યારે કારમાંથી ઉતરી નાસવા જતા ભાવેશ ઉર્ફે ભાયો રૂડાભાઈ કોડીયાતરને પોલીસે પકડી પાડ્યો હતો.
દરમિયાન પોલીસે કારમાં તલાસી લેતા કારમાંથી રૂ. 3.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર, 2 મોબાઈલ ફોન તથા દારૂના જથ્થા સહિત કુલ રૂ. 8,54,240 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ દારૂની હેરાફેરીમાં અન્ય 3 શખ્સોના નામ ખુલતા પોલીસે ત્રણેય શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.