પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વીજ કર્મીઓને પોતાના હક્કોથી વંચિત રાખતા અને મેનેજમેન્ટ દ્વારા સમયસર યોગ્ય નિરાકરણ ન કરતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ યુનિયન દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પીજીવીસીએલ.ના આગેવાનોના જણાવ્યા અનુસાર, વીજ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો જેવા કે કંપનીના વર્ગ-3 અને 4ના ગ્રેજ્યુએટ ટેકનિકલ કેડરના કર્મચારીઓની જુનિયર આસિસ્ટન્ટ તરીકે ભરતી કરવી, વિનંતીથી બદલીઓ કર્યા બાદ ભરતી તથા પ્રમોશન આપવા, નવા જુનિયર આસિસ્ટન્ટ ની ભરતી કરવી, તમામ વર્તુળ કચેરીઓમાં ખાલી જગ્યા ઉપર છેલ્લા બે વર્ષમાં ફરજ દરમિયાન મોતને ભેટેલા વીજ કંપનીઓના આશ્રિતોને રહેમરાહ નોકરી અપાવી અને કોરોનાથી થયેલું મૃત્યુમાં રૂ. 25 લાખની ચુકવણી કરવી, સીટે કચેરીની બદલીની સત્તાઓમાં નવી સૂચનાઓ આપવામાં આવી છે તે નિયમ વિરુદ્ધ છે જે સૂચના તાત્કાલિક રદ કરવી, વર્ગ-3 અને 4 ના કર્મીઓ સામે નનામી તેમજ આધાર પુરાવા સિવાયની ફરિયાદો સામે કરવામાં આવેલ કાર્યવાહી બંધ કરવી વગેરે અવારનવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પીજીવીસીએલના બીજી કર્મીઓની વ્યાજબી અને ન્યાયિક માંગણીઓને સ્વીકારવામાં બિનજરૂરી વિલંબ કરવાને લીધે વિજ કર્મીઓમાં ખૂબ જ રોષ ફેલાયો છે અને આંદોલન અનિવાર્ય બન્યું છે.
ત્યારે પીજીવીસીએલના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય સમયે નિર્ણય ન લેવાતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા તા. 20-10-2021ના રોજ આંદોલન હાથ ધરાશે, અને તેમાં જુનાગઢ વર્તુળ કચેરી હેઠળના 1000 જેટલા કર્મીઓ તથા અધિકારીઓ પણ સામેલ થશે. આ આંદોલનના કારણે પીજીવીસીએલની ઔદ્યોગિક શાંતિ જોખમાઈ તથા ગંભીર સમસ્યા ઊભી થશે તો તે માટેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ મેનેજમેન્ટની રહેશે તેવું અખિલ ગુજરાત વિદ્યુત સંઘની યાદીમાં જણાવ્યું છે.