જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોગચાળાને નાથવા માટે યુધ્ધના ધોરણે કામગીરી
જિલ્લા કલેકટર ડો.પારધી અંગત રસ લઈ સિવિલ હોસ્પિટલની મુલાકાતે: 37 પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રો અને 277 સબ સેન્ટર પર તબીબો સાથે આરોગ્ય કર્મીઓની સેવા
જૂનાગઢ શહેર સહિત જિલ્લા ભરમાં વાયરલ ઇન્ફેક્શન સહિતના રોગચાળાએ માઝા મૂકી છે અને બીજી તરફ કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે જિલ્લાનું જન જીવન રમણ ભમણ થઈ રહ્યું છે. જો કે, તંત્ર ઊંધા માથે થઈ જવા પામ્યું છે. જો કે, જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અંગત રસ લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની વારંવાર મુલાકાત લઇ અને જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ઉદ્ભવેલ રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ સહિતના તંત્ર ને કામે લગાડયું છે.અને જિલ્લામાં કોરોના તથા અન્ય રોગોને નાથવા માટે યુદ્ધના ધોરણે શક્ય તેટલી કામગીરી હાથ ધરવામાં આવી છે. 9 તાલુકા તથા 1 કોર્પોરેશન મળી કુલ 12 લાખથી વધુ વસ્તી ધરાવતા જૂનાગઢ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને પરાસ્ત કરવા આરોગ્ય વિભાગ અને સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દિવસ – રાત કામગીરી કરી રહયુ છે. પરંતુ કોરોના દિવસે ને દિવસે સંક્રમણ વધારી રહ્યો છે, બીજી બાજુ અન્ય ઋતુ સબંધી અને વાયરલ રોગોએ માથું ઉંચકતા સોરઠ પંથકમાં રોગચાળાએ માજા મૂકી છે, જૂનાગઢ શહેર સહિત તાલુકા મથકની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. જિલ્લામાં ઉદભવેલા નાના મોટા રોગો સાથે કોરોનાના દર્દીઓને તાતકાલીક સારવાર મળે અને જલ્દી દર્દિ સ્વસ્થ થાય તે માટે તંત્ર દ્વારા પૂરી તકેદારી લેવામાં આવી રહી છે. તથા જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ઉપરાંત તાલુકા મથકે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાભરમાં પથરાયેલા 37 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 237 સબ સેન્ટર પર તબિબો સાથે આરોગ્ય કર્મીઓ શ્રેષ્ઠ સેવાઓ આપી રહયા છે. પરંતુ કોરોના હવે શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં ફેલાયો હોવાથી સોરઠના અનેક ગામો હવે સ્વયંભૂ લોક ડાઉન કરી રહ્યા છે. જિલ્લાનું જન જીવન રમણ ભમણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી સામે જંગ ઝીલતા દર્દિઓ માટે ટેસ્ટ ટ્રીટમેન્ટ અને ટીકાકરણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 237 જેટલા સબ સેન્ટરમાં આ કાર્યવાહી ચાલી રહી છે, અહીં ગ્રામ્ય લોકોને ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ અને ટીકાકરણની સુવિધા વિનામૂલ્યે મળે છે. તેની સામે લોકો પણ ટેસ્તિંગ બાબતે સભાન થતા અમુક સેન્ટર ઉપર ટેસ્તિંગ કીટ ન હોવાની બૂમો પાડવા લાગી છે. બીજી બાજુ સરકાર અને તંત્ર દ્વારા આરોગ્યની સરકારી સુવિધાઓ સાથે ખાનગી હોસ્પિટલો અને કોવિડ હોસ્પિટલની માન્યતા આપી કોરોના પેશન્ટને સારવાર આપવામાં આવી રહી છે. આ કોવિડ હોસ્પિટલો પણ હાલમાં કોવિડ પોઝિટિવ પેશન્ટથી હાઉસફુલ થઈ જવા પામી છે, અને કોરોનાના દર્દીઓને આવી ખાનગી હોસ્પિટલમાં પણ ખાટલા ન મળતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જો કે, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા છે. શશીકુંજ ખાતે 100 બેડનું કોવિડ કેર સેન્ટર ઉપરાંત, ડોક્ટર સુભાષ એકેડેમીી, કડવા પટેલ સમાજ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉભી કરાઈ છે. જે કોરોનાના સામાન્ય દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે.
2.29 લાખ લોકોને રસી અપાઈ
કોરોના મહામારીની બીજી લહેરથી લોકોને સંક્રમિત થતા અટકાવવા ટીકાકરણ રામબાણ ઈલાજ છે, ત્યારે જ્ઞાતિ, સમાજ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, પદાધિકારીઓનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વોરિયર્સ, 45 પ્લસ સહિત કુલ 2.29 લાખ લોકોને કોરોના રસી આપી સુરક્ષિત કરાયા છે. પરંતુુ રસીકરણના બે ડોઝ લઈ ચૂકેલા લોકો પણ કોરોનાની બીજી લહેરમાં કોરોનાનીી ઝપટે આવી જતા અને કોરોના ગ્રસ્ત થઈ જતાં લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ સિવાય શહેરી વિસ્તારોમાં આરોગ્યની સવલતો ઉપલબ્ધ હોવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાંં ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. 20 થી વધુ ધન્વંતરી રથના માધ્યમથી દરરોજ બે હજાર જેટલા લોકોને સારવાર સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હોવાનુંં તંત્ર જણાવી રહ્યું છે પરંતુ જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના ગામોમાં કોરોના સહિત વાયરલ ઈન્ફેક્શનો વાળા રોગોએ પગ પેસારો કરતા જિલ્લામાં રોગચાળો માજા મૂકી રહ્યો હોવાનું ગ્રામ્ય પંથકમાંથી પણ સંભળાઈ રહ્યું છે.