સોમનાથ દર્શન કરી જામનગર તરફ જઈ રહેલા પરપ્રાંતિય પરિવારના સાત સભ્યો ઘાયલ

જૂનાગઢના વંથલી નજીક કોયલી પાસે ગઈકાલે એક ડમ્પરે ટેમ્પોને હડફેટે લેતા મધ્યપ્રદેશના પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 7 વ્યક્તિઓને ત્રણ 108 એમ્બ્યુલન્સ દ્વારા જુનાગઢની હોસ્પિટલ ખાતે લોહી લુહાણ હાલતમાં ખસેડવામાં આવ્યા હતા.

ગઈકાલે બપોરના સમયે મૂળ મધ્ય પ્રદેશના પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેરા દ્વારા સોમનાથ દર્શન કરી જામનગર જઈ રહ્યા હતા ત્યારે કોયલી પાસે બેલગામ બની આવી રહેલા ડમ્પરે ટેમ્પો ટ્રાવેલાને અડફેટે લેતા ટેમ્પો ટાવરનો આગળનો ભાગ ભૂકો બોલી ગયો હતો. તથા અકસ્માત સર્જાતા ટેમ્પોમાં બેસેલા મધ્યપ્રદેશના પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જો કે, સતત ધમધમતા આ માર્ગ ઉપર સેવાભાવી વાહન ચાલકો એ 108 ને જાણ કરતા ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ટેમ્પોમાં બેસેલા પ્રવાસીઓને અંદરથી બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય, ત્યારે 108 ના કર્મીઓ અને સેવાભાવી લોકોએ મહામુશીબતે આગળની સાઈડમાં બેઠેલા એક વૃદ્ધને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જેમાં 75 વર્ષીય રાધેશ્યામ ગુપ્તા નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું,જ્યારે 7 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન પરપ્રાંતિય પ્રવાસીઓને નડેલા અકસ્માત દરમિયાન ટેમ્પોમાં અને અકસ્માત સ્થળે પ્રવાસીઓનો સામાન, રોકડા રૂપિયા, પર્સ, સોનાના દાગીના વગેરે મળી આવતા, લોકોએ તે તમામ  દાગીના અને સામાન ભેગા કરી ઘટના સ્થળે પહોંચેલ વંથલી પોલીસને સુપ્રત કર્યો હતો.

આ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ દેવરાણિયા પણ પોરબંદર જઈ રહ્યા હતા. ત્યારે તેમને અકસ્માતની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ ગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવામાં મદદરૂપ થવાની સાથે જ્યાં સુધી અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગુપ્તા પરિવારના સભ્યો નહીં આવે ત્યાં સુધી હોસ્પિટલે જ રહેશે તેમ અર્જુનભાઈ દીવરાણીએ જણાવ્યું હતું.આ અકસ્માતમાં  અનદેવી ગુપ્તા ઉવ.65, મહાવીર ગુપ્તા ઉ.વ.42, મહેશ ગુપ્તા  ઉ.વ.38, પૂજા ગુપ્તા ઉ.વ.33, રાધા ગુપ્તા ઉ.વ.38 શુભાંગ ગુપ્તા ઉ.વ.14 અને સીધી ગુપ્તા ઉ.વ.11 ઘાયલ થયા હતા જ્યારે રાધેશ્યામ ગુપ્તા ઉ.વ.75 નું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતગ્રસ્ત લોકોને મળી સાંત્વના પાઠવી હતી. તે સાથે મધ્યપ્રદેશના તેમના પરિવારજનો અહીં જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈપણ બાબત એ ચિંતા ન કરવા આશ્વાસન આપ્યું હતું. અને તબીબોને પણ અકસ્માત ગ્રસ્તોની સારવાર માં કોઈ કચાસ ન રાખવા અને જરૂર પડે તો તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.