ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને રજુઆત બાદ તુરંત કાર્યવાહી હાથ ધરી: સિનીયર સિટીઝને પોલીસનો આભાર વ્યકત કર્યો
જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદારને પોતાની ભાડે આપેલ દુકાનનો કબ્જો પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
જૂનાગઢ શહેરના સબોધનગર, ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને ઝાંઝરડા ચોકડી નજીકના એક કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા અને નિવૃત બંદર ખાતાના કર્મચારી તરીકે જીવન જીવતા 70 વર્ષીય સિનિયર સીટીઝનએ પોતાના પુત્ર સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, 6 મહિના પહેલા પોતાની દુકાન રૂ. 3,500 ના ભાડે ધોરાજી ખાતે રહેતા અને જૂનાગઢ ખાતે ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરતા ભાડુઆતને ભાડે આપી હતી. પરંતુ આ ભાડુઆત માથાભારે હોઈ, તેણે ભાડું આપવાનું બંધ કરી દીધેલું. એ પછી દુકાન માલિક સિનિયર સિટીઝનને જાણ કર્યા વગર ત્રીજા ભાડુઆતને દુુુુકાન આપી, ત્યાં એક લેડિઝને બેસાડી દીધી હતી.
દરમિયાન દુકાન માલિકે ધોરાજીના મુખ્ય ભાડુઆતને ફોન કરતા, દુકાનનું કોઈ ભાડું દેવાનું નથી અને દુકાનમાં જશો તો, દુકાને બેસેલ લેડીઝ મારફતે છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી, આથી દુકાન માલિકે દુકાન ખાલી કરવાનું કહેતા, ભાડું આપવાનું પણ સાવ બંધ કરી દીધું હતું. અને માથાભારે ભાડૂત દુકાન પચાવી પાડવાની પેરવી કરતા હોવાનું સિનિયર સીટીઝનને જણાતા ભયના માર્યા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ગળગળા થઈને રજૂઆત કરી હતી.
જે અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઇ જે.એચ.કછોટ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે પ્રથમ ભાડે રાખી, ખાલી નહીં કરેલ ભાડુઆત તેમજ પેટા ભાડુઆત માથાભારે વ્યક્તિ કે જેઓ ત્રણેય દ્વારા દુકાન ઉપર બળજબરીથી કબ્જો કરેલ, તેઓ ત્રણેય મહિલા સહિત ભાડુઆત ઉપર લેન્ડગ્રેબિંગના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરાવા દબાણ લાવતા, પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆત અરજદાર સિનિયર સિટીઝનની દુકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને દુકાન ખાલી કરી, દુકાનની ચાવી સોંપી આપેલ હતી.
બંદર ખાતામાંથી નિવૃત્ત થયેલ એવા વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદારને પોતાના જિંદગીના કમાણી સમાન દુકાનનો કબ્જો પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, જોષિપુરા પોલીસ ચોકી ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.