સીસીટીવીના માધ્યમથી ગુનાઓનો ભેદ ઉકેલ્યા: બે વર્ષમાં 11 વખત ઉત્કૃષ્ટ કામગીરીનો એવોર્ડ મેળવ્યો
છેલ્લા બે વર્ષમાં 11 વખત શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર જૂનાગઢની નેત્રમ શાખા ઉત્કૃષ્ટ કામગીરી સાથે રાજ્યમાં સતત સાતમી વખત પ્રથમ સ્થાને રહેવા પામી છે. સીસીટીવી કેમેરાના મહત્તમ ઉપયોગથી ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખા એ ફરી એક વખત પ્રથમ નંબરે રહી જુનાગઢ જિલ્લા પોલીસને ગર્વ અપાવ્યું છે.
ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા એક કમિટી નિયુક્ત કરવામાં આવે છે. અને વર્ષ દરમિયાન ચાર વખત રાજ્યમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને દર ત્રણ માસના સમયગાળાનું મૂલ્યાંકન કરી એવોર્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવે છે. ત્યારે તારીખ 1-10-2022 થી 31-12-22 સુધીના સમયગાળા દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જૂનાગઢની નેત્રમ શાખાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે
સતત સાતમી વખત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર જૂનાગઢની નેત્રમ શાખાની બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા નેત્રમ શાખાના પીએસઆઇ. પી.એચ. મશરૂની ટીમના પોલીસ કોન્સ્ટેબલ જાનવીબેન પટોડીયા તથા રાહુલગીરી મેઘનાથીને ગાંધીનગર ખાતે ડીજીપી વિકાસ સહાય દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધીમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના ડીજીપી કચેરી દ્વારા કુલ સાત વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે. જેમાં જુનાગઢ નેત્રમને બે વખત ઈ ચલણની કામગીરીમાં પણ નંબર મળ્યો છે. આ સિવાય જાન્યુઆરી 2021, ઓગસ્ટ 2021, ડિસેમ્બર 2021, એપ્રિલ 2022, જુન 2022, સપ્ટેમ્બર 2022, ડિસેમ્બર 2022, ફેબ્રુઆરી 2023 અને એપ્રિલ 2023 માં પણ ડીજીપી દ્વારા એવોર્ડ આપી જૂનાગઢની નેત્રમ શાખાને સન્માનિત કરવામાં આવ્યા છે. માત્ર બે વર્ષના અંતરે 11 વખત શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ. મશરૂની ટીમ દ્વારા જિલ્લામાં બનતા કોઈપણ ગુનાનો ભેદ ત્વરિત ઉકેલવા, કોઈ વ્યક્તિનો કીમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભૂલી ગયેલ હોય તો તે સામાન શોધી, પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે. ત્યારે આવી સુંદર કામગીરીની ગુજરાત રાજ્ય ડીજીપી કચેરી દ્વારા નોંધ લેવાય છે અને જૂનાગઢની નેત્રમ શાખાએ સતત સાતમી વખત પ્રથમ સ્થાન સાથે બે વર્ષના અંતે 11 વખત શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવી જૂનાગઢ જિલ્લા પોલીસને ગર્વ અપાવ્યું છે.