અણધડ આયોજનથી કરોડો રૂપીયાનું આંધણ થવાની ભીતિ
જૂનાગઢના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનો પાડો તોડી શરૂ કરવામાં આવેલ બ્યુટીફિકેશનની કામગીરી સામે જૂનાગઢ શહેરમાં ભારે નારાજગી અને રોષ ભાભૂકતા હાલમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે. તો બીજી બાજુ અણઘણ આયોજનથી દામોદર કુંડ જેવું કામ થતા કરોડોના આંધણની ભીતિ દર્શાવી ખુદ જુનાગઢ ભાજપના અગ્રણી દ્વારા પાડો તોડવા કરતાં નરસિંહ તળાવ ફરતે થયેલી પેશ કદમી દૂર કરવાની માંગ કરાતા આ બાબત સતત ને સતત સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહી છે. તથા ભાજપના જ નેતાએ શાસક ભાજપ બોડી સામે ગંભીર આક્ષેપો અને કટાક્ષ કરતા જૂનાગઢ ભાજપ પક્ષમાં પણ આ બાબતનું સખડ ડખડ શરૂ થયું છે.
રવિવારે રાત્રિના જૂનાગઢના મધ્યમાં આવેલ અને ઓજી વિસ્તારના જળ સ્ત્રોત જાળવી રાખવામાં મહત્વના એવા નરસિંહ મહેતા સરોવરમાં રહેલા પાણીને દૂર કરી બ્યુટીફિકેશનની કામગીરી કરવા માટે પાડો તોડવામાં આવ્યો હતો. જે અંગે જુનાગઢના એક જાગૃત નાગરિક દ્વારા એક વીડિયો વાયરલ થયા બાદ આ બાબતની શહેરમાં ભારે ચર્ચા ઉપડી હતી. અને મનપાની કામગીરી સામે રોષ ભભુકી ઉઠ્યો હતો. બીજી બાજુ જીવદયા પ્રેમીઓએ પણ આ બાબત સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે જુનાગઢ મનપા દ્વારા નરસિંહ મહેતા સરોવરનો પાળો તોડી, પાણીનો નિકાલ કરવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
તે સાથે જ જુનાગઢ ભાજપના અગ્રણી અમૃતભાઈ દેસાઈએ એક ઇમેલ પાઠવી, પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થવાની ભીતી વ્યક્ત કરી અને પાળો તોડવા અધિરા બનેલા કોન્ટ્રાક્ટરની અણગણ નીતિ અને “ફૂંક મારી કામ થોડા થાય છે ?” તેવું વારંવાર બોલતા મનપાના એક પદાધિકારી સામે કટાક્ષ કરતા ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે, જુનાગઢ મહાનગરમાં 20 વર્ષ પછી પણ મનપા દ્વારા 40 % વિસ્તારમાં પાણી આપી શકાતું નથી, અને શહેરના 60 ટકા વિસ્તારમાં અનિયમિત પાણી આપવામાં આવે છે. ત્યારે નરસિંહ મહેતા સરોવરનો પાળો તોડી, પાણીનો નિકાલ કરવાથી ઓજી વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે, તેમ જણાવી ઘણા વર્ષો સુધી ટેન્કરના સહારે રહેલ જૂનાગઢની જનતા પાણીનું મૂલ્ય સારી રીતે જાણે છે. પરંતુ મનપાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કદાચ અજાણ હશે. જેથી તેને પાણીનું મૂલ્ય સમજાતું નથી.
ત્યારે પાળો તોડવાને બદલે નરસિંહ મહેતા તળાવ ફરતે છેલ્લા 10 વર્ષમાં થયેલ પેશકદમી હટાવવી જોઈએ અને જાડા – છાખરા દૂર કરવાની તાતી જરૂરિયાત છે. તે કામગીરી ફૂક મારીને થઈ શકે તેવી છે ત્યારે જુનાગઢ મનપાના પદાધિકારીઓએ પાળો તોડવાને બદલે પેશકદમી દૂર કરવાની પ્રથમ જરૂરિયાત છે, તેમ જણાવ્યું છે. ખુદ ભાજપના અગ્રણી અમૃત દેસાઈ દ્વારા જૂનાગઢ મનપાના શાસક ભાજપના પદાધિકારીઓ સામે કરેલ ગંભીર આક્ષેપો અને કટાક્ષ સાથેના ઈમેલ બાદ જુનાગઢ શહેરમાં ફરી આ બાબત સોશિયલ મીડિયામાં ચર્ચાને ચકડોળે ચડી છે. અને ભાજપનું એક નારાજ જૂથ આ બાબતે ગરમાગરમ ચર્ચા કરી રહ્યું છે. તો બીજી બાજુ જુનાગઢ મહાનગર ભાજપ પરિવારમાં પણ આ બાબતને લઈને સખડ ડખડ શરૂ થઈ છે.