પ્રેમી લગ્નની લાલચે અપહરણ કરી ગયો હોવાનું ખૂલ્યું: પિતાએ તરૂણીના બાળ લગ્ન કરી દેતા તેની સામે પોલીસ કાર્યવાહી
રાજકોટમાં મહિલાની કટકા કરેલ લાશ પોતાની દીકરીની હોવાનું જણાવી ડી.એન.એ. ટેસ્ટની માગ કરનાર જુનાગઢના એક પરિવારના મોભીની ગુમ થયેલ દીકરીને જુનાગઢ પોલીસે બગસરા માંથી સાથે શોધી કાઢી, યુવક સામે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કોની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે દીકરીના પિતા સામે દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં સણોસરા ખાતે દીકરીને પરણાવી હોવાથી પિતા સામે પણ કાયદેસરના પગલાં લેવા જુનાગઢ પોલીસ દ્વારા ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી છે.
જુનાગઢમાં રહેતા એક પરિવારની દીકરી ગત તા. 4 માર્ચના રોજ ગુમ થઈ હતી અને આ અંગે સગીર વયની દીકરીના પિતાએ પોતાની દીકરીનું સલમાન ઉર્ફે અજય ભરતભાઈ પંડ્યા નામના શખ્સે અપહરણ કરી લઈ ગયો હોવાનું અને ત્યારથી તે લાપતા હોવાની અરજી કરી હતી. જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન જ રાજકોટમાં લાલપરી તળાવમાંથી કટકા થયેલી એક યુવતીની લાશ મળી આવતા જૂનાગઢના ગુમ થયેલ દીકરીના પરિવારના મોભી દ્વારા એ લાશ પોતાની દીકરીની હોવાની આશંકા કરી લાશનું ડી.એન.એ. ટેસ્ટ થાય તેવી માંગ કરતા જુનાગઢ પોલીસ વધુ હરકતમાં આવી હતી અને ગુમ થયેલી દીકરીની તલાશ અને તપાસના ચક્રો વધુ ગતિમાન કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ટેકનીકલ સોર્સની મદદ લઈ અમરેલી જિલ્લાના બગસરા માંથી સલમાન ઉર્ફે અજય ભરતભાઈ પંડ્યાને ગુમ થયેલ દિકરી સાથે શોધી કાઢવામાં આવ્યો હતો અને બંનેને જૂનાગઢ ખાતે લાવી આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમો ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સાથે મળી આવેલ દીકરીના પરિવારજનો દીકરી સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં દીકરીના સણોસરા ખાતે અગાઉ લગ્ન કરી દીધેલ હોય જેથી પિતા સામે બાળ લગ્ન અધિનિયમ અંતર્ગત કાયદેસરના પગલાં લેવા જુનાગઢ પોલીસ દ્વારા ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.