જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ સંગ્રહ અને ઉત્પાદન કરતા 1854 લોકો સામે રૂ. 7.91 લાખનો દંડ કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, નાના વેપારીઓની સાથે કારખાના વાળા અને મોટા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી હૈયા વરાળ અને માંગ નાના વેપારીઓમાંથી ઉઠવા પામી છે.
પર્યાવરણને નુકસાન કરતા અને સિંગલ યુગ પ્લાસ્ટિકના ઝભલામાં નાખેલ ખોરાક ખાતા અનેક પશુઓના પેટમાં પ્લાસ્ટિક જતા પશુઓ મોતને ભેટી રહ્યા છે, ત્યારે આવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં આવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા લોકો દ્વારા આવા પ્રતિબંધનું છળે ચોક ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા આવા લોભીલાલા વેપારીઓ સામે છેલ્લા 1 વર્ષથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા, ઉપયોગ કરતા અને ઉત્પાદન કરતા 1854 વેપારીઓ સામે 1 વર્ષમાં રૂ. 7.91 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તે સાથે જૂનાગઢ મનપાના કમિશનર રાજેશ તન્નાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તથા ઉપયોગ ન કરવા શહેરીજરોને અનુરોધ કર્યો છે, અને આ પ્રતિબંધનું ઉલંઘન કરનાર સામે દંડની અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમાં પણ જણાવ્યું છે.
જો કે, શહેરના નાના વેપારીઓમાંથી એક સુર એવો પણ ઉઠવામાં આવ્યો છે કે, મનપાની ટીમ દ્વારા વારંવાર રેકડી ધારકો અને નાના વેપારીઓને જ દંડવામાં આવે છે. મોટા વેપારીઓ સામે માત્ર દેખાવની કામગીરી કરવામાં આવે છે, આ સાથે જે ઉત્પાદન કરે છે તેમને પણ બક્ષવામાં આવે છે. ત્યારે નાના વેપારીઓની સાથે કારખાનાવાળા અને મોટા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.