પાલિકાએ રેસીડેન્ટલ એરીયામાં કોમર્શીયલ બિલ્ડીંગની પરમિશન આપી દીધી: બાંધકામ અટકાવી જવાબદારો પાસેથી રિપોર્ટ મંગાવાયો
જુનાગઢ નહેરૂપાર્ક સોસાયટી રહેણાંક વિસ્તારમાં સોસાયટી સહિત અન્ય પરમીશનો લીધા વગર રહેણાંક હેતુ પરના પ્લોટ પર કોમર્શીયલ હેતુથી શ્રીજી બેબી કેર નામથી હોસ્પિટલ ખડકી દેવાઈ હતી. આના માટે આજ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ પંડયાએ લાંબી કાયદાકીય લડાઈ લડતા ગઈકાલે જુનાગઢ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપી આ કામને અટકાવી દેવા તેમજ હોસ્પિટલનો કોમર્શીયલ ઉપયોગ ન કરવા સહિત મહાનગરપાલિકાના જવાબદારોને એક મહિનામાં આ અંગે કરેલ કાર્યવાહી આધાર પુરાવાઓ રજુ કરવા હુકમ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને એક તબકકે કોર્પોરેશનમાં રીતસર સોપો પડી ગયો હતો.
આ અંગે વિસ્તૃત વિગતો અનુસાર બીપીએમસી એકટનો બચાવના સસ્ત્ર તરીકે હંમેશા ઉપયોગ કરતી મનપાએ જુનાગઢની અનેક બિલ્ડીંગોને ૨૬૦(૧) અને ૨૬૦ (૨)ની નોટીસો ઈસ્યુ કરી કાર્યવાહીમાં સંતોષ માની લેતી હોવાના અનેક પુરાવાઓ છે. નહેરૂ પાર્ક સોસાયટીમાં ડો.રતનપરા અને ડો.ઉસદડીયા દ્વારા શ્રીજી બેબી કેર નામથી બિલ્ડીંગ બાંધવાનું ગત ૨૦૧૭થી શ‚ કરવામાં આવ્યું હતું ત્યારે આજ સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિકે આ બિનકાયદેસર બાંધકામ સામે ૨૧/૧/૨૦૧૭થી લડત શરૂ કરી હતી. જવાબદાર તંત્રને ૧૦૫ જેટલી તબકકાવાર અને આધાર પુરાવાઓ સાથેની રજુઆતો પછી પણ નિર્ભર તંત્રએ ફરિયાદીને સાંભળવાના અને કાર્યવાહી કરવાના બદલે સામાપક્ષને સતત મદદ કરી હતી. આખરે જીજ્ઞેશભાઈ પંડયાએ કોર્ટમાં પીટીશન દાખલ કરતા લાંબી કાનુની લડાઈ બાદ ગઈકાલે કોર્ટ ફરિયાના ફેવરમાં સ્ટે. ફરમાવી દીધો હતો. જેમાં હોસ્પિટલનો હાલમાં ઉપયોગ સ્થગિત કરવા તેમજ મનપાને એક માસમાં આ અંગે કરેલ કાર્યવાહીના આધાર પુરાવાઓ રજુ કરવા ફરમાન કરવામાં આવ્યું હતું.
અરજદારના વકિલે રેસીડેન્સીયલ એરીયામાં કમ્પલીશન સર્ટીફીકેટ લીધા વગર આ હોસ્પિટલ ખડકાયેલ હોવાથી ત્યાં રહેતા અનેક લોકો સામે રોગો ફેલાવવાની દહેશત સાથે અવાજનું પ્રદુષણ તેમજ ટ્રાફિકની સમસ્યા સોસાયટીના રહેવાસીઓને અનેક તકલિફો ઉભી કરી શકે છે. અરજદારના વકિલ ધમાણીની ધારદાર દલીલોને કોર્ટે ગંભીરતાથી ધ્યાને લીધી હતી. સામાપક્ષે નગરપાલિકાએ એવી દલીલ કરી હતી કે બીપીએમસી એકટ મુજબ ડીસ્ટ્રીક કોર્ટ પાસે આ અંગેની સતા ન હોવાનું રટણ કરતા નામદાર કોર્ટે રેસીડેન્ટ એરીયામાં કોમર્શીયલ બાંધકામ ન થઈ શકે તેવું પરખાવી દીધું હતું. બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે હાલ આ બિલ્ડીંગમાં હોસ્પિટલ તરીકે ઉપયોગ ન કરવા ફરમાન કરતા કોર્પોરેશનના વાતાવરણમાં આ વાતને લઈ ખળભળાટ મચી જવા પામ્યો હતો.
અરજદારના હાઈકોર્ટના ધારાશાસ્ત્રી આ મેટરમાં વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમના અસીલ પાસે આ અંગે ભ્રષ્ટાચાર થયાના પુરતા પુરાવા છે અને તાત્કાલિક ધોરણે આ બાબતે હાઈકોર્ટમાં કેવીએટ પીટીશન દાખલ કરવામાં આવશે અને આ તમામ પ્રકરણમાં દાખલા‚પ કામગીરી મનપા પાસે કાન આમળીને કરાવવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં હાઈકોર્ટ ધારાશાસ્ત્રી જે.બી.વાજાનું સંપૂર્ણ માર્ગદર્શન રહ્યું હતું. ચૌદ માસ કરતા વધુ સમયની લાંબી લડત બાદ પ્રથમ તબકકાની સફળતાથી નિસ્વાર્થભાવે લડત ચલાવતા જીજ્ઞેશભાઈ અને તેમની ટીમ ગેલમાં આવી ગઈ હતી. જયારે સામાપક્ષે ૨૬૦ (૧) અને ૨૬૦ (૨)ની નોટીસો ઈસ્યુ કરી ગેરકાયદેસર બાંધકામોનો સતત બચાવ કરતી મનપાના અધિકારીઓમાં સોંપો પડી જવા પામ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,