શાળાઓમાં ડિજીટલ મીડીયા દ્વારા વર્ચ્યુઅલ રીતે વિશ્ર્વ સિંહ દિવસ ઉજવાશે
આવતીકાલે 10 મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજી પ્રત્યક્ષ રીતે અને ડીજીટલ મીડીયાનો ઉપયોગ કરી વર્ચ્યુલ રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વન વિભાગ, ગુજરાત રજ્ય, ગુજરાત શિક્ષણ વિભાગ તેમજ સ્થાનિક લોકોના સહીયારા પ્રયાસોથી સૌરાષ્ટ્રના 8 જીલ્લાઓની આશરે 6500 જેટલી શાળઓ, કોલેજોમાં આ ઉજવણી કરવામાં આવનાર છે.
આ ભવ્ય ઉજવણીમાં આશરે 15 લાખથી વધુ લોકો જોડાશે. આ કાર્યક્રમમાં જે તે ગામ, શહેરની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારી ઓ શાળાએ 10 મી ઓગષ્ટના રોજ એકત્ર થઇ આ કાર્યક્રમમાં જોડાશે.
ઉજવણીની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેના સંદેશાના જીવંત પ્રસારણથી થશે. ત્યારબાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મ્હોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગત નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહા રેલી કાઢવામાં આવશે. રેલી પુર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે જેમાં સિંહ પર બનેલી આશરે 10 થી 12 મીનીટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળશે. બાદ શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વકતવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ (પ્રતિજ્ઞા) લેવામાં આવશે. ત્યાર બાદ જે તે શાળા દ્વારા આ ઉજવણી સંલગ્ન પ્રવૃતિઓ કરવામાં આવશે.
આ દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્યતા દર્શાવે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્થિતીક રીતે ઘણું અલગ અને આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજે સિંહો ગીર અને બૃહદગીરના 30000 ચો. કી.મી. વિસ્તારમાં મુક્ત પણે વિહરતા જોવા મળે છે. આ વિસ્તારને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા 2016 નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક જનપ્રતિનિધી ઓ, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઉજવણી કરવામાં આવેલ છે 2016 માં 5.46 લાખ, 2017 માં 8.76 લાખ, 2018 માં 11.02 લાખ, 2019 માં 11.37 લાખ ની મોટી સંખ્યામાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.
જો કે, 2020 અને 2021 ના વર્ષોમાં કોવિડ-19 મહામારીના કારણે વિશ્વ સિંહ દિવસની પ્રત્યક્ષ રીતે ઉજવણી શક્ય ન હતી. લોકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ ડીજીટલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુલ રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને જેમાં ખુબજ મોટા પ્રમાણમાં દેશ અને વિદેશના સિંહ પ્રેમીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ અને જેની સંખ્યા 2020 માં 72.63 લાખ અને 2021 માં 85.01 લાખની હતી. આમ કોવીડ-19ની પરિસ્થિતી હોવા છતા વર્ચ્યુલ માધ્યમથી ખુબજ મોટા પ્રમાણમાં લોકભાગીદારી નિર્માણ થયેલ હતી.