પાણી ઉડાડવા બાબતે થયેલી માથાકૂટમાં છાત્રના બૂલેટને ટક્કર મારી પછાડી દીધા: ધોકા-પાઇપથી માર માર્યો
શનિવારની મોડી રાત્રે દાતાર સર્કલ પાસે બેફામ બનેલા અસામાજિકોએ 3 ભાવી વેટરનરી તબીબોને માર મારતા, આ બનાવના પગલે અન્ય ઇન્ટરનલ તબીબો રોષભેર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, અને વાતાવરણ ગરમાયું હતું. જો કે પોલીસે આ અંગે હુમલો કરનારા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારની રાત્રીના જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કામધેનુ યુનિવર્સિટી હસ્તકની વેટરનીટી કોલેજના સાવન નગીનભાઈ વાજા (ઉ.વ. 21, કોડીનાર) તથા અભી નવીનભાઈ હિરપરા (ઉ.વ. 20 ધોરાજી) અને કૌશિકા ડાંગર નામના ભાવિ તબીબો બુલેટ મોટરસાયકલ પર ભવનાથ ખાતે કાવો પીવા ગયા હતા. તે દરમિયાન એક કારમાં આવેલ શખ્સો એ પાણી ઉડાડ્યું હતું. આથી ત્રણેય ભાવી વેટનરી તબીબો ત્યાંથી બાઈક લઈને કોલેજ જવા નીકળ્યા હતા ત્યારે આ શખ્સોએ તેની પાછળ કાર લઈને પીછો કર્યો હતો.
દાતાર સર્કલ પાસે તબીબની બુલેટ બાઈકને પાછળથી ટક્કર મારી તબીબોને પછાડી દીધા હતા અને બાદમાં લાકડાના બટકા અને પાઈપથી માર માર્યો હતો. એ દરમિયાન આ લોકોએ પોતાના સાગ્રિતોને પણ બોલાવી લીધા હતા આથી અન્ય 15 થી 20 લોકોનું ટોળું ત્યાં પહોંચી ગયું હતું. અને સાગરીતોએ પણ ત્રણેય ભાવિ તબીબોને મારતા ત્રણેયને ઈજા પહોંચી હતી દરમિયાન સદ્નસીબે પોલીસ વાન ત્યાં આવી પહોંચતા ત્રણેય ભાવી તબીબોને છોડાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તે અંગેની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ ઘટનાની જાણ થતા અન્ય ઇન્ટર્નલ તબીબો રોશભેર સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસ સમક્ષ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.