જ્યાં સુધી પ્રદુષણ બોર્ડ દ્વારા નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી ધારાસભ્યની માંગણી આ પ્રશ્ર્ન, ફરિયાદ અને સંકલન સમિતિમાં પેન્ડિંગ
ભેસાણ પંથકમાં ધમધમતા સાડીના ધોલાઈ ઘાટનું વેસ્ટ પાણી ઉબેણ નદીમાં ઠલવાતું હોવાથી ઉબેણ નદીના પાણી પ્રદુષિત થયા છે, અને તેના કારણે નદી કાંઠાના અનેક ગામોની જમીન બંજર બની રહી છે દુધાળા પશુ ને આ પાણી ના પીવડાવી શકાય, તેવા પાણી હવે લોકોના બોર કુવા સુધી પહોંચવા પામ્યા છે, ત્યારે આ પ્રશ્ને હવે જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી આકરા પાણી એ થયા છે, અને પ્રદૂષણ તંત્ર સામે લાલઘૂમ થઈ, નદીમાં આવતું પ્રદૂષણ રોકાય તે માટે કાયમી પગલા ભારાય તે માટે મક્કમ બનતા તંત્ર પણ હવે દોડતું થયું છે.જેતપુરના કારખાનાઓ દ્વારા ઉબેણ અને ભાદર નદીમાં ઠાલાવવામાં આવતા કેમિકલયુક્ત પાણીને લીધે ઝાલણસર, મજેવડી, માખીયાળા, આંબલિયા, રૂપાવટી, ધંધુસર જેવા ગામોના ભૂતળમાં પ્રદુષણની વધતી માત્રા રોકવા અને કારખાનેદાર પર કાયદેસરની કાર્યવાહી થવા અર્થે જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા આ પ્રશ્નને કલેક્ટર ફરિયાદ સમિતિમાં મુકવામાં આવેલ અને જૂનાગઢની આજુબાજુના કારખાનાઓ નું કેમિકલ યુક્ત પાણી ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું હોય, જેની અસર ઉબેણ નદીના કાંઠાના ગામોમાં થયો છે, અને ભૂતળમાં કેમિકલ યુક્ત પાણીનો ફેલાવો થતાં, લોકોના સ્વાસ્થ્યને નુકશાન કર્તા હોય તાત્કાલિક અસરથી કાર્યવાહી થવા કલેક્ટર ફરિયાદ સમિતિમાં ભલામણ કરવામાં આવી હતી.
ગત શનિવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી. જેમાં ગત મિટિંગના પેન્ડિંગ પ્રશ્ન જેતપુર કારખાનેદાર દ્વારા ફેલાવવામાં આવતું પ્રદુષિત પાણી રોકવા બાબત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગળની શુ કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ માંગવામાં આવતા, પ્રદુષણ અધિકારી જેતપુર અને જૂનાગઢની સંયુક્ત કચેરી દ્વારા હાલ ભાટ ગામ પાસેથી પ્રદુષિત પાણી વહન કરતી તૂટેલી પાઇપ લાઇનના લીકેજ ને કારણે જે પાણી ઉબેણ અને ભાદર નદીમાં ભળતું હતું તે પાઇપ લાઇન રીપેર કરવામાં આવી છે, તેમજ હાલ 10 દિવસ સુધી તમામ કારખાનાઓ બંધ કરી દેવા હુકમ કરેલ હોવાનું જણાવાયું હતું. ત્યારે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ માત્ર 10 દિવસ બંધ કરવાથી આ સમસ્યાનો નિકાલ થવાનો નથી, તેમ જણાવી જ્યાં સુધી આ વેસ્ટ પાણી નિકાલ કરવા માટે કારખાનેદાર વ્યવસ્થા ન કરે અને આ સમસ્યાનો કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી તમામ એકમો બંધ રાખવા તેવી ભીખાભાઇ જોષી એ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસે બાહેંધરી માંગી હતી.