માણાવદર ખાતે કાર રિપેરીંગ વેળાએ સંબંધ કેળવી ગેરેજ સંચાલકના પુત્રને સચિવાલયમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપિંડી કરી
જુનાગઢમાંથી ઝડપાયેલ પશુપાલન મંત્રીના નકલી પી.એ. રાજેશ જાદવ સામે સચિવાલયમાં નોકરી અપાવી દેવાની લાલચા આપી, રૂ. 10 લાખ ની ઠગાઈ કર્યા હોવાની વધુ એક ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થવા પામી છે.
જુનાગઢ જિલ્લાના માણાવદર ટાઉનમાં રહેતા અને ગેરેજનું કામ કરતા દીપકભાઈ દયાળજીભાઈ બદ્રકિયાને ત્યાં રાજેશ જયંતીભાઈ જાદવ ગાડી રીપેર કરાવવા ગયેલ ત્યારે ઓળખાણમાં પોતે પશુપાલન મંત્રી પરષોત્તમ સોલંકીનો પી.એ હોવાનું જણાવી, દિપકભાઈના પુત્રને સચિવાલયમાં નોકરી અપાવી દેવાની વાત કરી હતી. આ માટે રૂ. 10 લાખનો વહીવટ કરશો તો ત્રણ મહિનામાં જ નોકરીનો ઓર્ડર અપાવી દેશે તેવું જણાવી. જો નોકરી ન મળે તો 10 ના બદલે 11 લાખ પરત આપી દેશે એવી ખાતરી આપી હતી. જેથી પોતાના દીકરાને નોકરી મળી જાય તેવી આશાએ દિપકભાઈ બદ્રકીયાએ રાજેશ જાદવને ઉછીના ઉધારા કરી, રૂ. 10 લાખ આપ્યા હતા. પરંતુ કેટલાય મહિના પછી નોકરીનો ઓર્ડર ન આવતા તેમણે રાજેશ જાદવના સંપર્ક કર્યા હતા અને આ શખ્સ દ્વારા ગલા તલા કરવામાં આવી રહ્યા હતા.
તેવામાં જ રાજેશ જાદવનો ફોટો નકલી પીએ હોવાના સમાચારો સામે આવતા અંતે પોતાની સાથે પણ ઠગાઈ થયું હોવાનું સમજાતા માણાવદરના દીપકભાઈ દયાળજીભાઈ બદ્રકીયાએ જુનાગઢના ગ્રીન સિટીમાં રહેતા અને પલુ પશુપાલન મંત્રીના પીએ હોવાની વાતો કરતા રાજેશ જયંતીભાઈ જાદવ સામે માણાવદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.
નોકરી અપાવવી તે ટચલી આંગળીનો ખેલ
માણાવદરમાં પશુપાલન મંત્રીના નકલી પીએ સામે થયેલ ફરિયાદમાં જણાવાયું છે કે, રાજેશ જાદવે ફરિયાદીને જણાવેલ કે, સરકારી નોકરી અપાવવી મારા માટે ટચલી આંગળીનો ખેલ છે. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સાથે મારે મોટી લાઈન છે અને મારે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સાથે દરરોજ ફોનમાં વાત થાય છે. આ સાથે મારે અનેક ધારાસભ્યો સાથે સંબંધ છે. હું જ્યારે આવું છું ત્યારે એમ.એલ.એ. લખેલી ગાડી લઈને જ આવું છું.