જુનાગઢ માંથી એમએલએ લખેલી કારમાં રોફ જમાવતા અને પોતે મંત્રીનો અંગત મદદનીશ હોવાનું જણાવતા શખ્સ સામે એક યુવકને શિક્ષકની નોકરી આપવાની લાલચા આપી, રૂ. 4.75 લાખ પડાવ્યા હોવાની છેતરપિંડી, વિશ્વાસઘાતની એક વધુ ફરિયાદ નોંધાવા પામી છે.
યુવકને શિક્ષકની નોકરી આપવાની લાલચ આપી પૈસા ખંખાર્યા
જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા નીરજભાઈ પ્રવીણભાઈ વૈષ્ણવને એક શુભ પ્રસંગે રાજેશ જયંતીભાઈ જાદવનો ભેટો થઈ ગયો હતો. અને પરિચયમાં આવી રાજેશ જાદવ એ નીરજભાઈ સાથે સંબંધ કેળવી સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. બાદમાં રાજેશ જાદવે યુવક નીરજભાઈના પિતા પ્રવીણભાઈ સાથે રૂપિયા પાંચ લાખ આપશો તો નોકરીનો ઓર્ડર નીકળી જશે તેમ જણાવતા યુવકના પિતાએ આવડી મોટી રકમ ન હોવાથી કટકે કટકે નાણા આપવાની વાત કરતા રાજેશ જાદવ એમાં સહમત થતા કુલ મળી રૂ. 4.75 લાખ રાજેશ જાદવને ચૂકવી અપાયા હતા.
ત્યારે રાજેશ જાદવે યુવક નીરજભાઈ તથા તેમના પિતાને કેશોદની એલ કે હાઇસ્કુલ નો તેનો ખોટો ઓર્ડર બતાવ્યો હતો, અને ગાંધીનગરથી એકાદ મહિનામાં આ ઓર્ડર ઉપર સહી સિક્કા થઈ જતા તમને નોકરી મળી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ આવું કંઈ ન થતા અંતે નીરજભાઈ પ્રવીણભાઈ વૈષ્ણવે જૂનાગઢના ગોલ્ડન સિટીમાં રહેતા રાજેશ જયંતીભાઈ જાદવ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, રાજેશ જાદવને જુનાગઢ તાલુકા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એમ.એલ.એ ગુજરાતનું બોર્ડ લગાવી પોતે રાજ્યના પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકીના અંગત મદદનીશ હોવાનો રોફ જમાવતા પકડી પાડ્યો હતો અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. તે દરમિયાન જ ધોરાજી પંથકના સુપેડી ગામના એક યુવકને જેતપુરની મીના નામની મહિલા સાથે લગ્ન કરાવવાની લાલચ આપી, રૂપિયા ખંખેરી લગ્ન ન કરાવી આપી કે રૂપિયા પણ પરત ન આપતા જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે બીજા દિવસે આ શખ્સ સામે જુનાગઢના જ એક યુવકને સરકારી નોકરી આપવાની લાલચ આપી, રૂ. 4.75 લાખ પડાવી લીધા બાદ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.