રાજકોટ, જૂનાગઢ, સુરત, બરોડા, જામનગર અને ભાવનગર સહિત શહેરોમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના નામે કરોડોની કરી ઠગાઇ
જૂનાગઢમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના નામે લગ્ન સહાયના નામે આંતર રાજ્ય કૌભાંડ આચર્યાની ઘટના સામે આવી છે. જેમાં જુદા જુદા શહેરોમાં અંદાજિત ૫૦૦૦થી વધુ લોકો ભોગ બન્યાનું સામે આવ્યું છે. જૂનાગઢની સંસ્થા રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના નામે છેતરપિંડી આચરી જૂનાગઢનો શખ્સ હરેશ ડોબરીયા પલાયન થઈ જતાં રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં લોકો ન્યાય માટે એકઠા થયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આજરોજ વહેલી સવારે રેસ્કોર્શ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ન્યાયની માંગણી સાથે એકઠા થયા હતા. જેમાં પોલીસે તપાસ કરતા આ લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના નામે લગ્ન સહાય યોજના અંતર્ગત લોકોને રૂ.૨૫ હજારનું ફોર્મ ભર્યા બાદ તેમાં રૂ.૧ લાખ લગ્ન સમયે આપવાની લોભામણી લાલચ આપતો હતો. લોકો પાસેથી રૂ.૨૫ હજાર લીધા બાદ રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના નામના રૂ.૧ લાખના ચેક આપ્યા હતા. પરંતુ ભોગ બનનારાઓએ ચેક બેંકમાં જમાં કરાવતા ચેક બાઉન્સ થતા સમગ્ર રેકેટ પરથી પર્દાફાસ થયો હતો.
રાજકોટમાં રહેતા જીજ્ઞાશા બેન હાલ રાજકોટમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનમાં નોકરી કરતા હતા. તેમના હસ્તક કુલ ૬૦૦ જેટલા લોકોએ લગ્ન સહાયક યોજના હેઠળ ભાગ લેવા પૈસા ભર્યા હતા. તેમાંથી અમુક લોકોને યોજનાની લાભે મળતી રકમ પરત આપી હતી. પરંતુ અન્ય લોકોની રકમ જીજ્ઞાશા બેને પરત માંગતા હરેશ ડોબરીયાએ ધમકીઓ આપી હતી. જેથી હાલ છેતરપિંડીનો ભોગ બનનાર અને જીજ્ઞાશા બેન પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓફિસે રજૂઆત કરવા માટે એકઠા થયા છે.
જેમાં જવાબમાં રાજકોટ શહેરમાં આજરોજ રેસ્કોર્ષ ગ્રાઉન્ડ ખાતે હજારો લોકો એકઠા થઇ ગયા હતા અને હરેશ ડોબરીયા નામના શખ્સ સામે ઉગ્ર વિરોધ કરી ન્યાય માટે માંગણી કરી હતી. પોતાની મરણમૂડી રોકી સહાયનો લાભ લેવાના ચક્કરમાં અનેક લોકોએ પૈસા ગુમાવ્યા હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ હરેશ ડોબરીયા રાજકીય વગ ધરાવતો હોવાનુ અને જૂનાગઢમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના નામે લગ્ન સહાય યોજના હેઠળ રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બરોડા અને સુરત સહિતના અંદાજિત ૫૦૦૦થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનુ સામે આવી રહ્યું છે. તો બીજી તરફ હરેશ ડોબરીયા હાલ વિદેશ જવા માટે પલાયન થઈ જવાની ભીતિ દર્શાવી છે.
ફાઉન્ડરની ધરપકડ કરાશે તો અનેક કૌભાંડ બહાર આવશે – જિજ્ઞાસા પટેલ (ફાઉન્ડેશન પૂર્વ કર્મચારી )
ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન નામની રાજકોટમાં આવેલી સંસ્થામાં કામ કરી ચૂકેલા જિજ્ઞાસા પટેલે ’ અબતક ’ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ફાઉન્ડેશન દ્વારા એક લગ્ન સહાય યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં જે દીકરી દીકરાઓના લગ્ન થતા હોય તેઓને એક લાખ રૂપિયા મળે એ એક લાખ મેળવવા માટે તમારે પ્રથમ આ ફાઉન્ડેશનમાં રૂપિયા 25000 રોકવા પડે અને ત્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે બાદ જ્યારે લગ્નનો સમય આવે ત્યારે તમને એક લાખ રૂપિયાનો ચેક મળે પરંતુ ડોક્યુમેન્ટ આપ્યા બાદ પણ આ ફાઉન્ડેશનમાંથી કોઈને એક લાખ રૂપિયા મળ્યા ન હતા જેમાં તો કોઈકે બે ત્રણ વર્ષ પહેલા જ ડોક્યુમેન્ટ આપી દીધા હતા જેઓને પણ હજી સુધી પૈસા મળ્યા નથી તેઓને જે ચેક આપવામાં આવ્યા હતા તે ચેક રિટર્ન થયા હતા. જે બાબતની ફરિયાદ તેઓ ઉપર થઈ હતી. પરંતુ તેમાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત કોઈ ચેકની ફરિયાદ બાબતે વાત કરે તો તેઓને ધમકાવવામાં આવતા હતા અને તેના રોકેલા 25000 રૂપિયા પણ પરત નહીં મળે તેવું કહેવામાં આવતું હતું. આ ફાઉન્ડેશન મૂળ જૂનાગઢની છે અને તેના ચેરમેન હરેશભાઈ ડોબરીયા છે. ઉપરાંત મૃત્યુ બાદ પણ સહાયની એક યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં લોકો પાસેથી પાંચ પાંચ હજાર ઉઘરાવવામાં આવ્યા હતા તેઓને પણ તેના પૈસા પરત આપવામાં આવ્યા નથી. જેથી અંતે લોકોએ કંટાળી આજે રાજકોટ પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 602 સહિત કુલ 2000 જેટલા લોકો આ ફ્રોડ સ્કીમનો ભોગ બન્યા છે.
સરકાર દ્વારા આપવામાં આવતી લગ્ન સહાય યોજના લોકોને નિ:શુલ્ક મળે છે
લોકો સાથે અનેકવિધ સહાય અંગે છેતરપિંડી થતી હોવાના કિસ્સાઓ ઝડપ થી સામે આવી રહ્યા છે ત્યારે લગ્ન સહાય મેળવવા ઈચ્છુક લોકો સાથે પણ અનેક અંશે છેતરપિંડી થઈ રહી છે ત્યારે સમાજ કલ્યાણ અધિકારીએ આવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવતી લગ્ન સહાય યોજના નિશુલ્ક છે જેના માટે અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેતી હોય છે એટલું જ નહીં કુંવરબાઈનું મામેરુ જય લગ્ન સહાય યોજનાનો એક ભાગ છે તેમાં યુવતીને 12,000 રૂપિયાની સહાય મળે છે તો બીજી તરફ સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં દરેક યુગલને રૂપિયા 12,000 સહાયરૂપે આપવામાં આવે છે.
એટલું જ નહીં જે સંસ્થા સમૂહ લગ્ન કરાવતી હોય તેને પણ દરેક યુગલ દીઠ રૂપિયા 3,000 આપવામાં આવે છે પરંતુ તેમાં એક સર્ચ છે કે જે કોઈ સંસ્થા સમૂહ લગ્ન કરાવતી હોય તેવોએ મિનિમમ 10 યુગલોના લગ્ન કરાવવા પડે. બીજી તરફ સમાજ કલ્યાણ અધિકારીઓ જણાવ્યું હતું કે આ યોજનાની જે સહાય છે તે અરજદારોને ગણતરીના ત્રણથી પાંચ મહિનાની અંદર જ મળી જતી હોય છે પરંતુ હાલ જે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે લોકો પોતાના ફોર્મ પોતે નહીં પરંતુ અન્ય કોઈને ભરવા આપે છે ત્યારે જે કોઈ અરજદારોને ફોર્મમાં ખ્યાલ ન આવતો હોય તેવો એ કોઈ વચેટીયાઓને નહીં પરંતુ સરકારી કચેરીનો સંપર્ક સાધવો જોઈએ.