- અગાઉ કચ્છના સામખિયાળીમાં સામાજીક કાર્યક્રમ દરમિયાન પણ મૌલાનાએ આપ્યું’તું ભડકાઉ ભાષણ
- વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Junagadh News
ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈના ઘાટ કોપરથી મૌલના મુફ્તીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ પ્રથમ મૌલાનાને એટીએસ હેડક્વાર્ટર અને ત્યારબાદ જૂનાગઢ પોલીસ મુખ્યાલય ખાતે લાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે મૌલાનામે જૂનાગઢની અદાલતમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મૌલાનાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. હવે આ કેસમાં ગુજરાત એટીએસએ સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરી છે. સલમાન અઝહરી પર પોતાના નિવેદનો દ્વારા નફરત ફેલાવવાનો અને લોકોની ભાવનાઓને ઠેશ પહોંચાડવાનો આરોપ છે. રવિવારે સાંજે ગુજરાત એટીએસએ મુંબઈ પોલીસની મદદથી સલમાન અઝહરીને તેના ઘરેથી અટકાયતમાં લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મુંબઈથી એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુફ્તી સલમાન અઝહરીને ગઈકાલે અમદાવાદમાં એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવી હતી અને ત્યાંથી ટીમમાં ફેરફાર કરીને તેને તાત્કાલિક જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો.
ગુજરાત એટીએસ ઘણા સમયથી અઝહરીને શોધી રહી હતી. ધરપકડ બાદ મૌલાના અઝહરીના સમર્થકો રસ્તા પર આવી ગયા અને ઘાટકોપર પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ હતું. મૌલાનાના સમર્થકોએ તેમની તાત્કાલિક મુક્તિની માંગ શરૂ કરી અને મોડી રાત્રે પોલીસે તેમને હટાવી દીધા હતા. અઝહરીની અટકાયત પર ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે કહ્યું કે, મુંબઈમાં શાંતિ છે. ઘાટકોપર વિસ્તારમાં પણ શાંતિ છે. કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરો. હું મુંબઈના લોકોને કહેવા માંગુ છું કે પોલીસ તેમના માટે રસ્તા પર છે.
ધરપકડ બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કહ્યું કે, ન તો હું ગુનેગાર છું અને ન તો મને અહીં ગુનો કરવા માટે લાવવામાં આવ્યો છે. પોલીસ કેટલીક મહત્વપૂર્ણ તપાસ કરી રહી છે અને હું પણ તેમને સહકાર આપી રહ્યો છું. જો હું નસીબદાર છું તો હું કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર રહીશ. હું તૈયાર છું.
આ તપાસ દરમિયાન મૌલાનાનો વધુ એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. કચ્છના સામખિયાળીમાં સામાજીક કાર્યક્રમાં હાજર રહેલા મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તો મૌલાનાને ભડકાઉ ભાષણ ભારે પડી શકે છે, જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ મૌલાનાના ભડકાઉ ભાષણની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ સોશિયલ મીડિયામાં રહેલા ભાષણોના વીડિયો પુરાવા તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી છે.
જૂનાગઢની ઘટના બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો કચ્છના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. સામખિયાળીમાં સામાજીક કાર્યક્રમાં હાજર રહેલા મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમાં મૌલાના મુફ્તી હાજર લોકોને ઉશ્કેરણીજનક વાત કરતો સાંભળવા મળી રહ્યો છે.