ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારને વાંધા અરજીનો જવાબ ન મળતા વિરોધ
કોંગ્રેસનો કારમો પરાજય થવાની જિલ્લા ભાજપના પ્રમુખની ખુલ્લી ચેલેન્જ
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે અને ખેડૂત, વેપારી અને ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ૫૩ ફોર્મ ભરાયા બાદ ચકાસણી દરમિયાન ૩ ફોર્મ રદ કરાતા હવે ૫૦ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા ફોર્મ ભરાતા મંગળવારે ચકાસણી સમયે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને તેમના લેખિત વિરોધને માન્ય ન રખાતા કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર રજિસ્ટાર કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો, દરમિયાન સામા પક્ષે માર્કેટિંગ યાર્ડના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ હાર ભાળી જતા ઘાંઘી બની છે અને કોંગ્રેસનો કારમો પરાજય થશે તેવી ખુલ્લી ચેલેન્જ કરતા, જૂનાગઢની માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં હવે પૂરેપુરો ગરમાવો આવી ચૂક્યો છે.
આગામી તા. ૧૬ ઓક્ટોબરના જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં ખેડૂત વિભાગમાં ૩૦ ફોર્મ, ખરીદ વેચાણ સંઘમાં ૯ ફોર્મ અને વેપારી વિભાગમાં ૧૪ ફોર્મ મળી કુલ ૫૩ ફોર્મ ભરાયા હતા, આ અંગે જિલ્લા રજિસ્ટર અને માર્કેટીંગ યાર્ડના ચૂંટણી અધિકારી આર.પી. ખરાડી એ અબ તક દૈનિકને આપેલી ફોનીક વિગતો મુજબ ગઈકાલે કુલ ૫૩ માથી ખેડૂત વિભાગના ૩ ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે, અને હાલમાં ૫૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં સહકારી શ્રેત્રના કોંગ્રેસ અને ભાજપના ધુરંધર આગેવાનો મેદાનમાં છે અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સર કરવા તમામ યુક્તિ, પ્રકૃતિ અજમાવી રહ્યા છે, ત્યારે ફોર્મ ચકાસણીના દિવસે કોંગ્રેસના ખેડૂત અગ્રણી અને સહકારી શ્રેત્રના આગેવાન કિશોરભાઈ હદવાની દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે ફોર્મ ભરતા તેમની સામે લેખિતમા વાંધા રજૂ કરવામાં આવ્યા હતા અને આ વાંધા અરજીના યોગ્ય જવાબ ન મળતા, જિલ્લા રજિસ્ટર અને ચૂંટણી અધિકારી ખરાડી સામે કોંગ્રેસના કિશોરભાઈ હદવાણીએ ચૂંટણી અધિકારીનું ભાજપ પક્ષ તરફનું વલણ હોવાનું અને સીધેસીધો કિરીટ પટેલને સહકાર અપાતો હોવાના ખુલ્લેખુલા આક્ષેપ સાથે ગઇકાલે સાંજે જિલ્લા રજીસ્ટાર કચેરીની અંદર ધરણા યોજ્યા હતા, અને બાદમાં આગેવાનો અને અધિકારીઓએ કોંગ્રેસ આગેવાનને સમજાવતા મામલો શાંત પડ્યો હતો. દરમિયાન સામા પક્ષે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને હાલના માર્કેટિંગ યાર્ડના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું છે કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ હારી ભાળી ગઈ છે અને તેને લઈને ઘાંઘી બની ગઈ છે, સત્તા માટે કોંગ્રેસ ખોટા વિરોધ કરી રહ્યું છે, પરંતુ તેમનો કારણો કારમો પરાજય નિશ્ચિત છે તેવી હું ખુલ્લી ચેલેન્જ કરું છું, આ સાથે કિરીટ પટેલે એ પણ જણાવ્યું હતું કે, કાયદાની પ્રક્રિયા મુજબ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અને મારુ ફોર્મ માન્ય લખાયું છે. જો કોંગ્રેસ પક્ષને કોઈ વાંધા વચકા લાગતા હોય તો તે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે, પરંતુ કોંગ્રેસની હાર નિશ્ચિત છે.
કિરીટ પટેલના નિવેદન બાદ કોંગ્રેસના સહકારી ક્ષેત્રના આગેવાન કિશોર હદવાણીએ અબ તક સાથેની ફોનીક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોની હાર જીત તો મતદારો નક્કી કરશે, અમારો જે વાંધો છે તે ભાજપની શેહમાં આવી જે યોગ્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી તેની સામેનો છે, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે થવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ભાજપ અને ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની શેહમાં આવી કામ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે, કારણ કે ગઈકાલે ત્રણ ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા છે, પરંતુ નિયમો મુજબ માન્ય ઉમેદવારોનું લીસ્ટ ચૂંટણી અધિકારીએ જાહેર કરવું જોઈએ, પરંતુ હજુ સુધી ચૂંટણી અધિકારી દ્વારા માન્ય ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી, જે પણ ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ છે.