ગુજરાતના મુખ્યમંત્રીને લાંચ રૂશ્વત વિરોધી અધિનીયમ હેઠળ ફરિયાદ દાખલ કરવા રાવ
જુનાગઢ ગણતરીના સમય પહેલા ગ્રીન કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું હતું અને જે-તે સમયે આ કૌભાંડમાં મનપાના ટોચના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી હતી. મનપા જાણે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની હોય તેમ અવાર-નવાર પ્રકાશમાં આવતા કૌભાંડોમાં હો હા અને હલ્લાબોલ સિવાય પ્રજાને બીજું વધારાનું કશુ નકકર પગલા કે નકકર કામગીરી જેવું દેખાઈ રહ્યું નથી. જુનાગઢના જાગૃત નાગરીક દિલીપસિંહ હમીરસિંહ સોલંકીએ ગઈકાલે આ અંગે ગુજરાતના મુખ્ય સચિવ, શહેરી વિકાસ સચિવ અને મુખ્યમંત્રીને એક પત્રથી આ અંગે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ પગલા લેવા જણાવતા વધુ એક વખત મનપામાં ગ્રીન કૌભાંડ ગાજતું થયું છે.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢમાં મનપાની હદમાં આવતા વિસતારોમાં છાશવારે નાના-મોટા કૌભાંડો બહાર આવે છે. આ કૌભાંડો છતાં થયા બાદ થોડા દિવસો માટે અખબારી માધ્યમ પોતાની ફરજ અદા કરે છે પરંતુ શાસક કે વિપક્ષ જાણે નિષ્ઠા ગુમાવી દીધી હોય તેમ છાશવારે આચરાતા કૌભાંડોમાં કોઈ નકકર પગલા જવાબદારો સામે લેવાતા હોય તેવી એક પણ માહિતી પ્રજા સમક્ષ આવી નથી. મનપા વર્તમાન પરિસ્થિતિએ દલાતરવાડીના ખેતર જેવી પરિસ્થિતિમાં આવી ગઈ છે. કૌભાંડોમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે.
જયારે બાઘડ બીલ્લા છટકી જાય છે. આવી પરિસ્થિતિ જુનાગઢના જાગૃત નાગરિક દિલીપસિંહ હમીરસિંહ સોલંકીએ ગઈકાલે ગુજરાતના મુખ્ય સચિવ, ગુજરાત શહેરી વિકાસ સચિવ અને મુખ્યમંત્રીને ઈ-મેલ દ્વારા આ કૌભાંડની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ફુલછોડના જે રોપ વન વિભાગ અને ખેતીવાડી વિભાગ નિ:શુલ્ક અથવા નજીવી કિંમતે આપે છે તેવો રોપ સ્પષ્ટ ભ્રષ્ટાચાર દેખાય તેમ ઉંચી કિંમત આપી ખરીદાય છે. લોગનવેલ જેવી વનસ્પતી ફુટપાથ પર ન ઉભી શકે તેવું સામાન્ય જ્ઞાન આ લોકોના અધિકારી પાસે નથી.મનપાના જવાબદારો છડે ચોક આચરે છે.
કૌભાંડ પ્રજાને સમજાવવા તપાસ સમિતિઓની રચનાઓ થાય છે પણ આજદીન સુધી એક પણ તપાસની રીપોર્ટ જાહેર કરાયો નથી. તેમાંય બહુ પ્રચલિત ગ્રીન કૌભાંડમાં ખરીદીના બીલો તેમજ અન્ય કાગળો ઉથલાવી વર્તમાન પરિસ્થિતિમાં રોપાની પરિસ્થિતિ તપાસવામાં આવે તો ઘણુ બધુ છતું થઈ શકે છે. દિલીપસિંહની જાગૃતતા બદલ લાગતા વળગતાઓએ તેમને આ પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.