જૂનાગઢ શહેરમાં સંચાલકો સિનેમા શરૂ કરવા તૈયાર નથી: ઓછા દર્શકો, નવી ફિલ્મ ન હોઇ નિર્ણય લેવાયો
સરકારે કોરોના મહામારીના કારણે માર્ચ 2020થી સિનેમા હોલ બંધ કરાવ્યા હતા. હવે અનલોક 2021માં સિનેમામાં 100ટકા દર્શકોની છૂટ આપી છે. પરંતુ નવી ફિલ્મો નથી એટલે ગણ્યા ગાંઠ્યા દર્શકો આવે તો વેરેન્ટેઇઝ માથે પડે અને ખર્ચ પણ ન નિકળે તેવી ચિંતા સાથે જૂનાગઢના સંચાલકો સિનેમા શરૂ કરવા તૈયાર નથી.સુરજ સિનેપ્લેક્ષના નિલેશભાઇ ધુલેશીયાએ જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે શુક્રવારે નવું ફિલ્મ રિલીઝ થતું હોય છે, પણ પ્રોડ્યુસરે બનાવેલું કોઇ નવું ફિલ્મ રિલીઝ થયું નથી. બીજી બાજુ સરકારે હજુ ગાઈડ લાઈન બહાર પાડી છે, તેને અનુસરવા માટે ની તૈયારીઓ ચાલુ રહી છે, અને જો નવું ફિલ્મ રિલીઝ થશે તો શુક્રવારથી સિનેમા શરૂ કરવાનું વિચારીશું, હાલના તબક્કે તો સિનેમા ચાલુ કરવાનો કોઇ ઇરાદો નથી. જ્યારે જયશ્રી ટોકિઝના ઇશ્વરભાઇ રામચંદાણીએ જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીએ સૂર્યવંશમ રિલીઝ થવાની વાતો થાય છે તે રિલીઝ થશે તો સિનેમા ચાલુ કરીશું. કારણ કે, કોઈ નવું ફિલ્મ લાગે તો દર્શકો જોવા આવે. બાકી અત્યારે ચાલુ કરીએ તો ગણ્યા ગાંઠ્યા દર્શકો આવે અને વેરેન્ટેઇઝ માથે પડે.