અબતક, દર્શન જોષી, જુનાગઢ
ભાવનગર જિલ્લામાં પોતાના માતા-પિતા સાથે રહેતી એક યુવતીને જૂનાગઢ જિલ્લાના એક યુવક સાથે પ્રેમ થતા, મૈત્રીકરારથી વિસાવદર તાલુકાના એક ગામડામાં રહેતી હતી. બે માસ સુધી યુવક સાથે રહેતી આ યુવતીને યુવક દ્વારા મારપીટ કરી, ઘરમાં કૈદ કરી તેમજ ભોજન પૂરતુ ન આપી, માનસિક ત્રાસ અપાયો હતો. ત્યારબાદ અભયમ 181ની ટીમ યુવતીની વહારે પહોંચી હતી અને યુવતીનું સફળ કાઉન્સલીંગ કરી યુવતીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ. જૂનાગઢ જિલ્લાના એક કામની શોધ માટે આવેલ યુવકે ભાવનગર જિલ્લાની એક યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. વિસાવદર તાલુકાના છેવાડાના ગામડામાં આ પ્રેમી યુગલ રહેતા હતા. આ દરમિયાન યુવકે યુવતી સાથે મારપીટ કરી, ઘરમાં કૈદ કરી, ભોજન પણ પૂરતું ન આપી, માનસિક ત્રાસ આપ્યો હતો. છેલ્લાં બે માસથી ત્રાસ વધતાં યુવતીએ રાજકોટમાં રહેતા તેના ભાઇ-ભાભીને ફોન કરી ઘટના વર્ણવી હતી. આ ઘટનાનું વર્ણન તેના ભાઇ-ભાભીએ અભયમ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી મદદ માંગી હતી. ત્યારબાદ 181ના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી, ભારતીબેન મકવાણા સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 181ની ટીમ વિસાવદર તાલુકાના છેવાડાના ગામે એક મંદિરમાં તપાસ કરતાં યુવતી મળી ન હતી. પછી યુવકનાં ઘરે તપાસ કરતાં યુવતી મળી હતી પરંતું યુવક ફરાર થઇ ચૂક્યો હતો. પીડીતાને સહી-સલામત ઘરેથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ભાઇ-ભાભી રસ્તામાં જ ભેટો થતાં તમામ સભ્યોનું સફળ કાઉન્સેલીંગ કરી પીડીતા મહિલાને તેની મરજી મુજબ ભાઇ-ભાભીનેં સોપીં હતી.
181ના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી, ભારતીબેન મકવાણાએ મહિલાને સ્થળ પર જ પ્રો.સ્ટેશનમાં ફરિયાદ વિશે તથા પ્રાથમિક કાયદાકીય માહિતી આપી યોગ્ય સલાહ સૂચન દ્વારા માર્ગદર્શન આપી યુવતીને પરિવારને સોંપવામાં આવી હતી. આમ 181 અભયમ મહિલા હેલ્પલાઇન યુવતી માટે આશીર્વાદરૂપ સાબિત થઇ.