જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જીલ્લાની જમીનોના પૃથ્થકરણની સવલત
ખેડ ખેતરને પાણી લાવે સમૃઘ્ધી તાણી ખેડુતોની આવક બમણી કરવાના સાકાર લક્ષય ને સાકાર કરવા એ ખેડુતો માટે આધુનીક ખેતી પઘ્ધતિ અનિવાર્ય છે. ત્યારે જમીન અને પાણીના પૃથ્થકરણથી પાક પસંદગી, ખાતર, પાણીની ગુણવતાના ધોરણે ખેતી કરવા મબલખ ઉત્પાદન શકય બને જમીનની જમીન ચકાસણી લેબમાં ત્રણ જીલ્લાની જમીનો પાણીના પૃથ્થકરણની સગવડતા ખેડુતો માટે આશિર્વાદરૂપ બની છે.જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે જૂનાગઢ સરદારબાગ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે.ત્યારે ખેત ઉત્પાદન વધારવા સમયાંતરે ખેડૂતો પોતાની જમીન અને પાણીની ચકાસણી કરાવે તે આવશ્યક છે તેમ. મદદનીશ ખેતી નિયામકે જણાવ્યું હતું.
જમીનમાં જુદાં-જુદાં પોષક તત્વોની જાણકારી માટે, જમીનની ફળદ્રુપતાની કક્ષા નક્કિ કરવા, જમીન કયા ખેતી પાકો માટે અનુકુળ છે, ખેતી પાકોને યોગ્ય અને સમતોલ માત્રામાં ખાતર આપવા જમીનનુ બંધારણ નક્કિ કરવા, જમીનમા રહેલ નિતાર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ સહિતની બાબતો માટે જમીનનું પૃથ્થકરણ ચકાસણી આવશ્યક છે. તેના આધારે કયાં પોષકતત્વો આપવા પડશે તેમજ સુધારણા માટે કયાં પગલા લેવા પડશે તેની ભલામણ કરવામાં આવે છે. ઉપરોકત ભલામણને આધારે ખાતરનો ઉપયોગ કરવાથી મહત્તમ ઉત્પાદન મળે છે અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.જમીનની ચકાસણી સાથે ખેતી પિયત માટે અપાતા પાણીની ચકાસણી પણ એટલી જ આવશ્યક છે. ખેડૂતોએ ખેત ઉત્પાદન વધારવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા સમયાંતરે પોતાની જમીનની માટી અને પાણીનું પૃથ્થકરણ ચકાસણી કરાવે તે ખેડૂતોના હિતમાં છે. ખેડૂતોને ફાયદાકારક છે. જૂનાગઢ લધુ કૃષિ ભવન, સરદારબાગ ખાતે મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે માત્ર રૂ. 15ની ફ્રી ભરવાથી જમીન અને પાણીની ચકાસણી ખેડૂતો કરાવી શકે છે.
પાણીની ચકાસણી માટે નમૂનો લેવાની પદ્ધતિ
પાણીનો નમૂનો કૂવા, નહેર કે પાતાળ કુવાના પાણીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. અડધોથી એક લીટર પાણીનો નમૂનો મેળવી પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી બૂચ સારી રીતે બંધ કરવું. ઉપર લેબલ મારી પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલવો. નમૂનો લેતી વખતે સપાટી ઉપર ઝાડ ના પાન કે કચરો હોય તો તેને દૂર કરવો. નમૂનો નહેરના પાણીનો લેવાનો હોય તો વહેતા પાણીમાંથી લેવો અને કૂવા કે પાતાળ કૂવાનો પાણીનો લેવાનો હોય તો મોટર કે એન્જિન ચાલુ કરી 30 મિનિટ પાણી જવા દઈ ત્યાર પછી લેવો. જે પાણીનો નમૂનો લેવાનો હોય તે પાણી વડે પ્રથમ બોટલ બરાબર સાફ કરવી અને પાણીથી ભૂસાઈ ન શકે તેવા અક્ષરોથી વિગત લખી ચકાસણી માટે મોકલીએ તેમ મદદનીશ ખેતી નિયામક જીવાણીએ જણાવ્યુ છે.
જમીનનો નમુનો કેવી રીતે લેશો?
જમીનનો યોગ્ય નમૂનો લેવા એક વિઘા દીઠ એક નમૂનો લેવો. આ નમૂનો કોદાળી વડે અંગ્રેજીમાં વી આકારનો ખાડો કરી અડધા ફુટેથી માટી લેવી. આ નમુનો લેતા અગાઉ જમીનના ઉપરના ભાગમાંથી કાંકરા,કચરો દુર કરવા. જમીનનો ઉપરથી નીચે સુધીનો સળંગ સમાંતર ભાગ આવી જાય તે રીતે માટી લેવી ખાસ જરૂરી છે.આમ, આ રીતે લીધેલા માટીને એક જ્ગ્યાએ ભેગી કરી, બરાબર મિશ્ર કરી તેના ચાર ભાગ કરો સામ સામેના બે ભાગ કાઢી નાખો ,બાકીના બે ભાગ મીસ્ર કરો આ પ્રમાણે પ્રક્રીયા બાદ તેમાંથી અડધો કિલો જેટલી બાકી રહેતી માટી પ્લાસ્ટીક અથવા કાપડની સારી કોથળીમાં ભરી ચકાસણી માટે મોકલવી.