જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ ખાતે રવિ પૂર્વ મોસમી તાલીમ કાર્યશાળા યોજાઈ ગઈ. આ તાલીમ કાર્યશાળામાં ખેતીવાડી ખાતાનાં પ૫ અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હાલની પરીસ્થિતિમાં ખેડૂતો એ શું કાળજી લેવી જોઈએ તેમજ હવે આવનાર રવિ પાકો માટે શું આયોજન કરવું જોઈએ.
આ તાલીમ કાર્યશાળાનાં અધ્યક્ષ અને કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ચિત્ર ઘણું સારૂ હતું પણ કુદરતની વધુ મહેરબાનીથી ચિત્ર ઉલટું થયું. વધુ વરસાદનાં પાણી ભરાવાના કારણે માગફળીના આગલા દોડવા બચકી ગયા અને નવા અંધાય નહિ. શરૂઆતમાં ૫૦ લાખ ટનનો અંદાજ હતો તે અત્યારે ૪૦ લાખ ટન આપી ગયો છે, તો કપાસમાં શરુઆતમાં સારું હતું પણ સતત વરસાદથી તેમાં પણ નુકશાન થયું. આના કારણે પાકની ગુણવતા ઘટશે જેથી ભાવ ઉપર અસર થશે. પણ શિયાળુ પાક આપણા હાથમાં છે, તો ખેડૂતભાઈઓને યોગ્ય માર્ગદર્શન આપજો. સમયસર વાવેતર કરે તે જરૂરી છે. જરૂર જણાય તો પ્રેસ કે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ સંદેશ આપજો.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.એમ.ગાજીપરા, આત્મા ડાયરેક્ટર જૂનાગઢનાં એમ.એમ. કાસુન્દ્રા, જૂનાગઢ જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.જે. રાઠોડ સંયુક્ત ખેતી નિયામક જુનાગઢ તેમજ રાજકોટે પણ ઉપયોગી સૂચનો કરેલ. રવિ પૂર્વ મોસમી તાલીમમાં તજજ્ઞો ડો. ડી.કે.વરૂ, તેલીબીયા વિભાગનાં સાપરા, શાકભાજી વિભાગનાં ડો. કે.બી. આસોદરીયા, કઠોળ સંશોધન કેન્દ્ર ના ડો. જાવિયા, કૃષિ વિજ્ઞાનનાં ડો.આર.કે.માથુકીયા, કીટકશાસ્ત્રનાં વડા ડો.એમ.એફ. આચાર્ય અને રોગશાસ્ત્ર વિભાગનાં વડા ડો. એલ.એફ.અકબરીએ હાલની સ્થિતિ તથા રવિ પાકમાં શું પાક સંરક્ષણ અપનાવવું તેની વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સંકલન ડો. જી.આર. ગોહિલે કર્યું હતું.