કોરોનાની કપરી પરિસ્થિતિનો લાભ ઉઠાવી જેની સમગ્ર ગુજરાતમાં અછત વર્તાઈ રહી છે તેવા રેમડેસીવીર ઇન્જેકશન રૂ. 2 હજારની કિંમતે વહેંચી કાળાબજારી કરતાં એક શખ્સને કેશોદ પોલીસે ઝડપી લીધો છે. ત્યારે આવા ઇન્જેક્શન અને દવાની કાળાબજાર કરતાં તક સાધુ અને કાળાબજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ ધાંચી સમાજ પાસે રહેતા ઉવેશભાઇ રફીકભાઇ સોઢા (ઉ.વ.23) નામનો શખ્સ કોરોના વાયરસ રોગમા હોસ્પીટલમા સારવાર માટે ઉપયોગમા લેવાતી રેમડેસીવીર ઇન્જેકશન જેની મુળ કિમત 899 છે, તે ઇન્જેકશનના કાળા બજારી કરી, એમ.આર.પી. કરતા રૂ. 20,000 વસુલ કરી રહ્યો હોવાનું જાણવા મળતા કેશોદ પોલીસે રેમડેસીવીર ઇન્જેકશન શીશી નંગ 2 સાથે દબોચી લીધો હતો.
પોલીસે રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજાર કરતા શખ્સ પાસેથી રૂ.1798 ની મૂળ કિંમતના રેમડેસીવીર ઇન્જેકશન 2 તથા મોબાઇલ ફોન 1 અને રોકડા રૂપીયા 19,800 મળી કુલ રૂ.26,598 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામાં કેશોદના પો.કો.કિરણભાઇ જીવાભાઇ એ જાતે ફરિયાદી બની રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજાર કરતા શખ્સ ઉવેશભાઇ રફીકભાઇ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આ શખ્સ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 7(1)(અ)(ઈંઈં), ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ 53 મુજબ ગુનો નોંધ્યો છે, જેની વધુ તપાસ કેશોદના ઇન્ચાર્જ પી.આઇ. એન.બી.ચૌહાણ કરી રહ્યા છે.