યુનિવર્સિટીના કાર્યક્રમ અને કામગીરીથી પત્રકારોને જાણી જોઈને દુર રખાતા હોવાની ઉઠતી ફરિયાદ
જુનાગઢ શહેરને મળેલી વ્યકિતગત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ રજીસ્ટ્રારને જુનાગઢમાં ૧૨ પત્રકારો હોવાની જ માહિતી હોવાથી યુનિ.ના સતાવાળાઓ જુનાગઢના પત્રકારોને યુનિ.ની કામગીરી અને કાર્યક્રમોમાંથી દુર રાખી રહ્યા છે છતાં પત્રકારો પોતાની ફરજ સમજી લોકો સુધી યુનિ.ની સારી કામગીરી પહોંચાડી પત્રકારત્વનો ધર્મ બજાવી રહ્યાં છે. આ બાબતે રજુઆતો કરવામાં આવે તો સતાવાળાઓ જરૂર ન હોય તે રીતે ઉડાઉ જવાબો આપી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
રાજય સરકારે કરોડો રૂપિયાની જમીન ફાળવી જુનાગઢને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ફાળવી છે પરંતુ પાસેરામાં પડેલી પુણીની જેમ આ યુનિ.ના કુલપતિ અને રજીસ્ટ્રાર અમુક પત્રકારોને સાચવી લેતા હોવાની અને અન્ય પત્રકારોની જરૂર જ ન હોય તેવું વર્તન કરતા હોવાની બુમો ઉઠવા પામી છે. ગત મંગળવારે યુનિ.દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં પણ શહેરના રાષ્ટ્રીય અખબારોના પ્રતિનિધિઓને ઈરાદાપૂર્વક બાકાત રાખવામાં આવ્યા હતા જયારે આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે પત્રકારોની આ અધિકારીઓને જરૂર ન હોય તે રીતે ‘જોઈ લેશું’ એવા ઉડાઉ જવાબો મળતા પત્રકારોમાં રોષ ફેલાયો છે.
આટલેથી જ નહીં અટકતા યુનિ.ના કુલપતિ દ્વારા માહિતી ખાતાએ અમોને ૧૨ પત્રકારોનું સિકકાવાળું લીસ્ટ આપ્યાનો બચાવ કરવામાં આવે છે ત્યારે માહિતી ખાતુ આવું સિકકાવાળું ૧૨ પત્રકારોનું કોઈ લીસ્ટ યુનિ.ને આપેલ નથી તેવું જણાવે છે ત્યારે પ્રશ્નો હવે ઉભો થાય છે કે, યુનિ.ના અધિકારીઓ રાષ્ટ્રીય અખબારોથી કેમ અળગા રહેવા માંગે છે. બે વર્ષ જેટલો સમય આ યુનિ.ને થવા પામ્યો છે પરંતુ જુનાગઢના મોટાભાગના પત્રકારોને કાર્યક્રમો અને માહિતીથી દુર રાખવામાં આ અધિકારીઓને શું ફાયદો હશે તે પણ એક પ્રશ્નો ઉભો થયો છે.
છેલ્લા બે વર્ષ દરમ્યાન યુનિ.દ્વારા અનેક કાર્યક્રમો અને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હશે અને યુનિ.ના એજયુકેટેડ અધિકારીઓએ પત્રકારોની ઓછી હાજરી નોંધી જ હોય તથા ગુજરાતના કયા લોકપ્રિય અખબારો છે તેનાથી માહિતગાર હોવા છતાં તેના પ્રતિનિધિઓની ગેરહાજરી કેમ છે તેની નોંધ કે એ માટેની કોઈ કાર્યવાહી નથી કરી ત્યારે એ વાત ચોકકસ બનવા પામી છે કે કોઈને કોઈ કારણોસર જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર પત્રકારોને યુનિ.થી દુર રાખવા માંગે છે.
આજે શુક્રવારે યુનિ.ખાતે નવા ભવનનું ઉદઘાટન છે ત્યારે પણ પત્રકારોને આમંત્રણ આપવામાં આવેલ નથી અને અમુક પત્રકારોને તમે નજીકના સ્થળે આવી જાવ એટલે આમંત્રણ પત્રિકા આપી દઈએ તેવા કોલ પણ આવ્યા છે પરંતુ આ બધુ પત્રકારોએ કુલપતિને તથા રજીસ્ટ્રારને ફોનીક જણાવ્યા બાદ કરવામાં આવ્યું છે. કારણકે આજે ભુમી પુજન વખતે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવવાના છે અને પત્રકારો આ બાબતે ઉગ્ર રજુઆતો પણ કરવાના છે
ત્યારે યુનિ.દ્વારા આ પગલા ભરાયા હોવાનું મનાય છે. જોકે, જુનાગઢના નારાજ પત્રકારો દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી અત્યાર સુધીમાં કેટલી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને યોજાઈ ગયેલ કાર્યક્રમોમાં પત્રકારો માટે કેટલો ખર્ચ ઉધારવામાં આવ્યો છે તેની પણ માહિતી માંગવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com