- જુનાગઢ માંગનાથ રોડ પર વેપારીએ દુકાનમાં રાખેલા અઢી લાખ રૂપિયા મહિલા ગ્રાહક લઈ થયા ગાયબ
- વેપારીએ મહિલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી અરજી
જુનાગઢ ન્યૂઝ : જુનાગઢ માંગનાથ રોડ પર હવેલી બજારમાં વેપારીના અઢી લાખ રૂપિયા લઇ મહિલા ગ્રાહકે ચાલતી પકડી, હવેલી બજારમાં કટલેરીની દુકાનમાં રાખેલા અઢી લાખ રૂપિયા ભરેલી થેલી લઈ મહિલા ગ્રાહક રફુ ચક્કર થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કટલેરીની દુકાનની ઉઘરાણી કરી વેપારીએ રૂપિયા દુકાનના ટેબલ પર રાખ્યા હતા.જ્યાં મહિલા ગ્રાહક આવતા વેપારી વસ્તુ બતાવવા લાગ્યા હતા. જેમાં વેપારી ભૂલી ગયા હતા કે તેમને ટેબલ પર અઢી લાખ રૂપિયા રાખ્યા છે. ત્યારે એક મહિલા ગ્રાહકે ટેબલ પર પડેલી થેલી ખોલી જોતા તેમાં અઢી લાખ રૂપિયા દેખાતા આસપાસ નજર કરી રૂપિયા ભરેલી થેલી લઈ ચાલતી પકડી હતી.
અઢી લાખ રૂપિયા ભરેલી થેલી ગાયબ થયાની જાણ થતા વેપારી ચિંતામાં મુકાયા હતા. ત્યારે તાત્કાલિક દુકાનના વેપારીએ એસોસિએશનના પ્રમુખને જાણ કરી હતી અને વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા ગ્રાહક વિરુદ્ધ અરજી કરી હતી. જમનેશભાઈ ઠકરારે જણાવ્યું હતુ કે હું જ્યારે મારી દુકાન ના વેપારની ઉઘરાણી કરી દુકાને આવ્યો હતો અને અઢી લાખ રૂપિયા ભરેલું જબલું ને મારી દુકાને ટેબલ પર રાખ્યું હતું ત્યારે મહિલા ગ્રાહકો મારી દુકાને ખરીદી કરતા હતા જેથી કરીને હું મારી દુકાન નો માલ સામાન તેમને બતાવવા લાગ્યો હતો એટલામાં જ એક મહિલા ગ્રાહકે દુકાનના ટેબલ પર પડેલા રૂપિયાની થેલી ખોલી આજુબાજુ જોઈ પોતે દુકાનમાંથી રૂપિયા ભરેલી થેલી લઈ ચાલતી પકડી હતી.
થોડીવાર બાદ મેં રૂપિયા ભરેલી થેલી દુકાનમાં શોધતા ન મળતા મારી દુકાનમાં લાગેલા કેમેરા ચેક કર્યા હતા .જેમાં એક મહિલા ગ્રાહક રૂપિયા ભરેલી થેલી લઈ જતા દેખાયા હતા. ત્યારે માંગનાથ વેપારી એસોસિયેશનના પ્રમુખ ભુપતભાઈ તન્ના નો સંપર્ક કર્યો હતો. અને આ બજારના તમામ કેમેરા ચેક કર્યા હતા. જેમાં મહિલા ગ્રાહક તેમના પતિ સાથે બાઈકમાં બેસી જતા જોવા મળ્યા હતા. હાલ મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરી હતી.હાલ વેપારીની અરજીને ધ્યાને લઈ જુનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ચિરાગ રાજ્યગુરુ