જૂનાગઢના એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી એ વિસાવદરની 16 વર્ષની સગીરાનું મિત્રની મદદથી લઈને કારમાં કરેલ અપહરણ ભારે પડ્યું છે. પોલીસે આ ઘટનાની કલાકોમાં જ સગીરાને શોધી કાઢીને મુક્ત કરાવી હતી, અને સગીરાનું અપહરણ કરનાર બંને શખ્સોને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ગણતરીની કલાકોમાં અપહૃત સગીરાને શોધી હેમખેમ મુક્ત કરાવી: અપહરણના ગુનામાં બે શખ્સોની અટકાયત
આ ઘટના અંગે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાધલિયાના જણાવ્યા અનુસાર, વિસાવદરના એક પરિવારની ધો. 11 માં અભ્યાસ કરતી, 16 વર્ષ અને 4 મહિનાની વય ધરાવતી એક સગીરા પોતાની બહેનપણી સાથે શાળાએ અભ્યાસ કરવા પગપાળા જઈ રહી હતી. ત્યારે વિસાવદરની જૂની બજાર પાસે અચાનક એક કાર આવી ચડી હતી, અને કારમાં રહેલા બે શખ્સો સગીરાનુ અપહરણ કરીને ઉઠાવી ગયા હતા.
આ બાબતે સગીરાના પિતાએ વિસાવદર પોલીસ સ્ટેશને જાણ કરતાની સાથે જ વિસાવદર પી.આઇ. આર.બી ગઢવી સહિતના સ્ટાફે અપહરણ કરાયેલ સગીરાની શોધખોળ જારી કરી દીધી હતી અને કારના નંબર સીસીટીવી ફૂટેજના આધારે મેળવી, આરોપીઓના મોબાઇલ નંબર ટ્રેક કરાતા, સગીરાના અપહરણમાં વપરાયેલી કાર રાજકોટના લોધિકા પાસેથી મળી આવી હતી. જો કે, પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપી એ કારને લોધિકા તરફ મોકલી દીધી હતી અને જય સુખાનંદી નામનો મુખ્ય આરોપી સગીરાને લઈને જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટમાં રોકાઈ ગયો હતો.
દરમિયાન અપરણ કરનાર જય મયુર શુખાનંદી સગીરા સાથે જુનાગઢના એપાર્ટમેન્ટમાં હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા જ પોલીસે ઝાંઝરડા રોડ ઉપર તાત્કાલિક પહોંચી, સગીરાને શોધી કાઢીને મુક્ત કરાવી હતી. અને સગીરાનું અપહરણ કરનાર જય મયુર સુખાનંદી તથા તેના મિત્ર રિયાઝ સલીમ નાગોરીને પોલીસે રાઉન્ડ અપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ ડીવાયએસપી ધાધલીયાના વધુમાં જણાવ્યા અનુસાર, પોલીસની પ્રાથમિક તપાસમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતો જય મયુર સુખાનંદી નામનો યુવક વિસાવદરની સગીરા સાથે વોટ્સએપમાં વાત કરતો હતો
અને એક તરફી પ્રેમ કરતો હતો. ત્યારે બુધવારે સવારે સગીરાની મરજી વિરુદ્ધ જઇ સુખાનંદી એ પોતાના મિત્ર રિયાજ સલીમ નાગોરી સાથે મળીને સગીરાનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા.