જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહી આવે તો કોર્ટના પગથીયા ચડવા પડસે તેવી ચિમકી કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પણસારા દ્વારા ઉચ્ચારવામાં આવતા મહાનગરપાલિકામાં.હલચલ મચી જવા પામી છે.
જુનાગઢ મનપાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવી જણાવાયું હતું કે, શહેરમાં ગેરકાયદેસર બાંધકામ ઠેક ઠેકાણે થઈ રહ્યા છે, આવા બાંધકામો અંગે લોકો અરજી કરે પછી મનપા દ્વારા તપાસના ઢોંગ કરાય છે, નોટીસો અપાય છે અને છેલ્લે 260(20) હેઠળ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની નોટીસો ઇશ્યુ થાય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યવાહી થતી નથી.
આવું જ એક ગેરકાયદેસર બાંધકામ ઝાંઝરડા ચોકડી પાસે કરવામાં આવેલ છે. આ બાંધકામ તોડી પાડવા મનપાએ 26 ઓક્ટોબર 2017 માં 260(2)ની નોટીસ ઇશ્યુ કરી હતી. આ નોટીસના 3 વર્ષ પછી પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું તો ઠીક છે પરંતુ ત્યાંથી એક કાકરી પણ હલાવવામાં નથી આવી. ત્યારે આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહી આવે તો કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી મંજુલાબેન પણસારા દ્વારા મનપાને આપવામાં આવી છે.