પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીને ૨૩ સપ્ટેમ્બરે ટૂંકી મુદ્દતના પ્રશ્ર્નોમાં હોસ્પિટલની બેદરકારી સંદર્ભે પાંચ મહત્વના પ્રશ્નો પુછાશે
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સારવારમાં કે સગવડતામાં કોઈ જાતની કચાશ ચલાવી લેવામાં આવશે નહીં અને મને મળેલી ફરિયાદો સહિત સિવિલ હોસ્પિટલની બેદરકારીના મુદ્દો હું વિધાનસભામાં ગજવીશ તેમ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે.
અબતક ને આપેલ એક મુલાકાતમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અગવડતા અને સિવિલ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીની અનેક ફરિયાદો મને મળવા પામી છે, અને આ બાબતે મેં લાગતા વળગતાઓને તાત્કાલિક જાણ કરી, યોગ્ય કરવા માટે પ્રયત્નો પણ કર્યા છે, રાત્રિના બે વાગ્યે મેં હોસ્પિટલના તબીબોને સારવાર લઈ રહેલ દર્દીઓની આવેલી ફરિયાદ બાબતે જાણ કરી તેમને યોગ્ય સારવાર મળે તે માટે સૂચનો પણ આપેલા છે.તાજેતરમાં એક દર્દીના મૃત્યુ અંગે તેમના પરિવારજનો દ્વારા મને ફરિયાદ મળતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતીનભાઈ પટેલને તાત્કાલિક પત્ર પાઠવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સીસી કેમેરા ગોઠવવા અને બહાર ડિસ્પ્લે ગોઠવી કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ, પરિસ્થિતિ અંગે તેમના પરિવારો જાણી શકે તે માટે ભલામણ કરી છે.
આ ઉપરાંત તાજેતરમાં યોજાઇ રહેલા વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન જૂનાગઢની સિવિલની સારવારની બેદરકારીનો મુદ્દો હું ગજાવવાનો છું, ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થનાર વિધાનસભા સત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીને ૨૩ સપ્ટેમ્બરે ટૂંકી મુદતના પ્રશ્નોમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ચાલતી બેદરકારીથી ના છૂટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડે છે જેનાથી સરકાર વાકેફ છે ? મળેલી ફરિયાદો અંગે ક્યારે તપાસ કરવામાં આવી ? તપાસ દરમિયાન સારવારમાં બેદરકારીના કયા કારણો જણાયા ? ફરિયાદનો નિકાલ ક્યારે કરાશે ? અને આના માટે જવાબદારો સામે શું પગલા લેવામાં આવ્યા ? જેવા પાંચ મહત્વના પ્રશ્નો પુછવામાં આવશે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દરદીઓની સારવારમાં કોઈપણ જાતની કચાશ પોતે ચલાવી લેવાવી લેશે નહીં, અને જો તંત્ર દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ચાલતી લોલમલોલ અને પોલંપોલ ચાલતી રહેશે તો તેની સામે હું ક્યારેય શાંત બેસીસ નહીં વગેરે બાબતો સાથે તીખી પ્રતિક્રિયા વ્યકત કરી હતી.