પશ્ચિમ બંગાળના બે સોની કારીગરોએ જૂનાગઢની એક જવેલર્સ પેઢીમાંથી કરેલ રૂ. 89 લાખના કાચા સોનાની થયેલ ચોરીનો જૂનાગઢ એલસીબીએ પર્દાફાશ કરી આ ચોરીના બે આરોપીઓને ગણતરીની કલાકોમાં જ મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આજે પત્રકારોને આપેલ વિગત અનુસાર ગત તા. 19/4/21 ના રોજ જૂનાગઢની માઢ સ્ટ્રીટમાં આવેલ માંડલીયા જ્વેલર્સમાંથી બપોરના 2 થી 4 દરમિયાન સોની કામના પશ્ચિમ બંગાળના કારીગર વાતની અબ્દુલ ફિરોઝ અબ્દુલ અજીમ તથા સ્માર્ટ અજિતે કારખાનામાં પ્રવેશી  ગ્રિલનું અને દરવાજાના નકુચો તોડી, પેઢીમાં રહેલ રૂ. 89 લાખના કાચા સોનાની ચોરી કરી, લઇ જઇ નાસી છૂટયા હતા. જે અંગેની માંડલીયા જ્વેલર્સના માલિક કિરીટભાઈ પ્રતાપભાઈ માંડલીયાએ જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ એલસીબી અને નેત્રમ પ્રોજેક્ટ તથા જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા આરોપીને પકડી પાડવા માટે નેત્રમ પ્રોજેક્ટ, સીસીટીવી ફૂટેજ ટેકનિકલ્સ સોર્સ અને બાતમીદારોની બાતમી મેળવવા તજવીજ હાથ ધરાઇ હતી. જે દરમિયાન જૂનાગઢ એલસીબીને બાતમી મળી હતી કે, આ કામના આરોપી અબ્દુલ ફિરોઝ અબ્દુલ અજીમ ના બનેવી અમરૂલ સલીમ શેખ મહારાષ્ટ્ર ના ભંડારા જિલ્લાના તુમસર ગામે રહે છે અને આરોપીઓ તેમના ઘરે હાલમાં રોકાયા છે.આ બાતમી મળતા જ જૂનાગઢની એલસીબી ટીમ તાત્કાલિક ખાનગી વાહનમાં મહારાષ્ટ્રના તુમ્સર ગામે પહોંચી હતી અને તુમ્સર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિશાલ કરમગામી તથા તેમની પોલીસ ટીમની મદદ મેળવી તુમ્સર ખાતેથી અબ્દુલ ફિરોઝ અબ્દુલ અજીમ અને સમ્રાટ અજીતને રૂપિયા 64.90 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ, જુનાગઢ લાવી જુનાગઢ એ ડિવિઝન પોલીસને સુપરત કર્યા હતા અને બંને આરોપીની રિમાન્ડ મેળવવા માટે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.