જુનાગઢના જીઆઇડીસીમાં મકાનનો સ્લેબ પડતા વડાલ ગામના એક શ્રમિક યુવાકનુ દબાઈ જતાં મોત થવા પામ્યો છે, જ્યારે માંગરોળમાં બે વર્ષની બાળકી પર દૂધનું તપેલું ઢોળાતા અને માણાવદરના મિતડી ગામે કુવામાં પડી જતાં એક 90 વર્ષીય વૃદ્ધાનું મોત થતાં મરણ જનારના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
જૂનાગઢ મહાનગરના છેવાડે આવેલ જી.આઇ.ડી.સી – 2 માં વિષ્ણુભાઈના મકાનના સ્લેબ તોડવાનું કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક ઉપરનો સલેબ પડતા નીચે કામ કરી રહેલા વડાલ ના 45 વર્ષીય નિખિલભાઈ ખીમાભાઈ મહિડા નામના શ્રમિક સ્લેબના કાટમાળ નીચે દબાઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે માંગરોળ ટાઉનના તિરુપતિ નગરમાં રહેતા સંતોષ વિરેન્દ્રભાઈ નામના સદગૃહસ્થની બે વર્ષની બાળકી દિવિશા ઉપર ગરમ કરેલા દૂધનું તપેલું ઢોળાઇ જતાં બાળકી ગંભીર રીતે દાઝી જવા પામી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી પરંતુ સારવાર દરમિયાન બાળકી દિવીશાનું મૃત્યુ નીપજયું હતું.
અમૃત્યુનો ત્રીજો બનાવ માણાવદરના મિતડી ગામનો નોંધાયો છે પોલીસના જણાવ્યા અનુસાર મિતડી ગામે રહેતા 90 વર્ષીય કાંતાબેન દુદાભાઈ સોલંકીને માનસિક બીમારી હોય જેથી તેઓ અવારનવાર ઘરેથી નીકળી જતા હતા અને ગઈકાલે તેેમનું ગ્રામ પંચાયતના કુવામાં પડી જતા મોત નીપજ્યું હતું.