મહાપાલિકાએ ૫૦ વર્ષ જૂના જર્જરિત ઇમારત જોખમી હોવાની
નોટિસ આપી સંતોષ માન્યો !!
દાતાર રોડ પર અનેક જર્જરિત બિલ્ડીંગ: ભયગ્રષ્ત મકાન ખાલી કરાવવા પોલીસનો બંદોબસ્ત અપાશે: એસ.પી
જૂનાગઢમાં દાતાર રોડ પર ગઈકાલે ૫૦ વર્ષ જૂની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયીની ગોઝારી દુર્ઘટનાના ચારના મોત થયા છે.ત્યારે અહીંના ડેપ્યુટી મેયરે આ દુર્ઘટના તંત્રની બેદરકારીથી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.મહાપાલિકાના બાબૂઓએ આ બિલ્ડીંગને છ માસ પહેલા માત્ર નોટીસ આપી સંતોષ માની લેતા આ બિલ્ડીંગ આજે ધરાશાયી થઈ ગઈ હતી.અને જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.જ્યારે દુર્ઘટનાને લઈને માત્ર ૧૪ જ મિનીટમાં આખુયે પ્રસાશન સ્થળ ઉપર પહોંચી ગયું હતું, અને આધુનિક સાધનોની મદદ વડે છ કલાક કાટમાળ હટાવવાની કામગીરીના અંતે સાંજના ૭ વાગ્યા સુધીમાં પિતા અને તેના બે બાળકો, તેમજ એક વૃધ્ધનો મૃતદેહ નિકળ્યો હતો.
દુર્ઘટનામાં ભોગ બનેલા હતભાગીઓના નામ
- તરુણ સંજય ડાભી ઉ.૧૩
- દક્ષ સંજયભાઈ ડાભી ઉ.૦૭
- સંજય સતીષભાઈ ડાભી ઉ.૩૩
- સુભાષ લક્ષ્મીદાસ તન્ના ઉ.૫૨
જળહોનારત બાદ એકતરફ જૂનાગઢ સ્તબ્ધ છે અનેક જગ્યાએ પારાવાર નુકશાની થયેલ છે, મકાનોના પાયા હચમચી ઉઠ્યા હોય તેમ શ્રીનાથજી કૃપા નામનું ૧૯૭૩ માં બનેલું બિલ્ડીંગ ધડાકાભેર ધસી પડ્યું હતું, આ સમયે ત્યાં રિક્ષામાં પસાર થયેલા સંજય ડાભી, તેમના બે બાળકો અને એક ચાવાળા વૃધ્ધ બિલ્ડીંગ નીચે દબાઈ ગયા હતા, આ દુર્ઘટના બની ત્યારે ત્વરિત જ આસપાસના લોકોએ આવી અને કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી હતી અને ત્યારે આ ઈમારતમાં વધુ લોકો દબાયા હોવાનું માનવામાં આવતું હતું. સદનસીબે આ ઈમારતમાં રહેતા ચાર શ્રમિકો આ સમયે હાજર ન હતા, બાદમાં રાહત બચાવની કામગીરી શરૂ થઈ હતી. તબક્કાવાર રિક્ષા ચાલક સંજય ડાબી અને તેમના બે બાળકો અને એક વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. સાંજ સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ ચાર મૃતદેહો લાગ્યા હતા.
દાતાર રોડ ઉપર આવેલ કડીયાવાડ શાકમાર્કેટ પાસે આવેલું શ્રીનાથજી કૃપા નામનું ૫૦ વર્ષ જુનું બે માળનું બિલ્ડીંગ આજે બપોરે ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને જિલ્લામાં ડિઝાસ્ટર કચેરીના જાણ કરવામાં આવતા ૩ માત્ર ૧૪ જ મિનીટમાં કલેકટર – અનિલકુમાર રાણાવાસીયા, એસપી વાસમ શેટ્ટી, મ્યુ.કમિશ્નર, રાજેશ રવિતેજા તન્ના, ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા સહિતના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સ્થળ પર પહોંચી તાકીદે પ્રસાશન ધારા એનડીઆરએફ્ની બે ટીમ,એસડીઆરએફ્ની એક ટીમ, ટાસ્ક લેર્સ,ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ૮ ગાડી, ૯ જેસીબી, ૩ ટ્રેક્ટર સહિતના આધુનિક સંશાધનો વડે બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી, શરુઆતમાં કાટમાળ હટાવવા માટે તંત્રને પરસેવો વળી ગયો હતો.
મકાન જુનવાણી હતું પરંતુ આખું બેલાનું બનેલું હોય અને એકસાથે બે માળનો કાટમાળ અને બે સ્લેબ સાથે ધરાશાયી થતા આખો કાટમાળ અડધા રસ્તા પર આવી ગયો હતો.તંત્ર દ્વારા આખાયે દાતાર રોડને કાળવા ચોકથી અને બીજી તરફ નીચલા દાતારના રોડથી બંધ કરી દીધો હતો, અને તે વિસ્તારની દુકાનો બંધ કરાવીને રસ્તા બ્લોક કરી દીધા હતા, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ જવાનો, મનપાની ક્ષયર શાખાની ટીમ, પોલીસ અધિકારીઓ કાટમાળ હટાવી મૃતદેહને ભર કાઢ્યા હતા.અને હજુ મોડી રાત સુધી બિલ્ડીંગ નીચે કોઈ વધુ દબાયેલ છે કે કેમ તે તપાસવા તંત્ર દ્વારા મોડી રાત સુધી ઓપરેશન ચાલુ રાખ્યું હતું.
હાઈ લેવલની મીટીંગ બાદ જૂનાગઢની તમામ જર્જરિત ઇમારતો તોડી પડાશે
બિલ્ડીંગ ચર્ચરી થયાની ઘટના બનતા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ મનપા દ્વારા હાઈ લેવલ મીટીંગ બોલાવવામાં આવી છે અને જુનાગઢમાં રહેલી તમામ જર્જરીત બિલ્ડીંગોને નોટિસ આપીને તાત્કાલિક ધોરણે ધરાશાહી કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવવાની છે.
દુર્ઘટનાનો ભોગ બનનારના સ્વજતો પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
જૂનાગઢ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં મકાન તૂડી પડવાની ઘટના અત્યંત દુખદ છે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું, મૃતકોના આત્માને શાંતિ અર્પે એવી ઈશ્વરને પ્રાથના કરું છુ. રાજ્ય સરકાર મૃતકોના પરીવારજનોને ૪ લાખની સહાય કરશે.