ગીરનાર રોપ-વેનું કામ પીપીપીના ધોરણે ચાલી રહ્યુ છે તો પછી રોપવે માટે ૧૩૦ કરોડ કેવી રીતે ફાળવાય ? સોરઠવાસીઓને બજેટમાં પહેરાવાયા ઉંધા ચશ્મા
જૂનાગઢના અમુક ભાજપના નેતાઓ જૂનાગઢવાસીઓને બજેટ અંગે ઊંધા ચશ્મા પહેરાવી રાજ્ય સરકારના બજેટમાં જુનાગઢને ૧૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાની ડંફાસ મારી રહ્યા હતા તેનો ફુગો ફૂટી જવા પામ્યો છે અને આ બજેટમાં જૂનાગઢને ઉપરકોટ વિકાસ માટે માત્ર મામૂલી રકમની બજેટમાં ફાળવણી કરી હોવાનું સામે આવતા મોટી મોટી વાતો કરતા ભાજપના અમુક નેતાઓના મોં સિવાઈ જવા પામ્યા છે અને અખબારો સામે થૂંકેલું ચાટવું ના પડે અને નિવેદન ન આપવું પડે તે માટે હવે ફોન ઉપાડતા પણ બંધ થઈ જવા પામ્યા છે.
જૂનાગઢના અમુક ભાજપના નેતાઓ જૂનાગઢવાસીઓને બજેટનાં દિવસથી બજેટ અંગે ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા હતા કે, ગીરનાર સેત્રના વિકાસ માટે બજેટમાં ૧૩૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, અને ઉપરકોટના વિકાસ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરી છે, આને લઈને અમુક નેતાઓ તો અખબારોને ઈન્ટરવ્યૂ પણ બોલાવી બોલાવીને આપવા લાગ્યા હતા અને રાજ્ય સરકારનો આભાર માની જૂનાગઢનો વિકાસ થશે, અમે મહેનત કરી હોવાનું લોકો સામે સાબિત કરી રહ્યા હતા પરંતુ આવા ફૂલાઈને ફુગા બનેલા ભાજપના અમુક નેતાઓની હવા નીકળી જવા પામી છે.
ગઇકાલે જ્યારે અબ તક દ્વારા જૂનાગઢના ભાજપના અમુક નેતાઓના લેવાયેલા ફોનીક ઇન્ટરવ્યૂમાં ભાજપના નેતાઓએ જૂનાગઢના ગીરનારના વિકાસ માટે બજેટમાં રૂ. ૧૩૦ કરોડ અને ઉપરકોટ ના વિકાસ માટે રૂ. ૨૦ કરોડ ફાળવ્યા છે તે બદલ જૂનાગઢવાસીઓ વતી રાજ્ય સરકારનો અમે આભારી માણીયે છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ તેમ જણાવી, ગીરનાર ક્ષેત્રમાં જે રૂ. ૧૩૦ કરોડ રૂપિયા વિકાસ માટે ફાળવ્યા છે તેમાં ગીરનારના પગથિયા, પીવાના પાણીની યોજના, લાઈટ, ગટર, સહિતના કામો સારી રીતે થશે, અને અમુક રકમ રોપવેના યાત્રિકોની સુવિધા માટે વપરાશે તેમ જણાવી રહ્યા હતા.
જો કે આ નેતાઓને કેટલા રૂપિયા બજેટમાં લેવાયા છે અને લોકોની સુવિધા માટે કેટલા રૂપિયા વાપરવામાં આવશે તેની ખબર ન હતી પરંતુ ગીરનારના વિકાસ માટે ૧૩૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, તેની વાતો લઈને ભારે ડંફાશ મારી રહ્યા હતા, બીજી બાજુ ઉપરકોટ માટે રૂ. ૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાની જૂનાગઢના અમુક બોલકણા નેતાઓ ફોનીક મુલાકાતમાં જણાવી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં તેમને એ ખબર ન હતી કે માત્ર જૂનાગઢના ઉપરકોટ માટે ૨૦ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી નથી પરંતુ આ ૨૦ કરોડ રૂપિયામાંથી ગુજરાતના ત્રણ પ્રવાસન સ્થળો માં વિકાસના કાર્યો થવાના છે.
જૂનાગઢના મોટા ગજાના અને અભિયાસુ ભાજપના એક નેતાની વાત માનીએ તો, હાલમાં ગિરનાર પર્વત પર જે રોપ-વેની કામગીરી ચાલી રહી છે તે પીપીપી યોજના તળે ચાલી રહી છે, અને તેનો ખર્ચો અંદાજે ૧૩૦ કરોડ જેવો થવાનો છે, જે કામ ચાલી રહ્યા હોવાનું બજેટમાં જણાવવામાં આવ્યું છે, તથા ધોળાવીર, માતાનો મઢ અને ઉપરકોટ એમ કુલ ૩ સ્થળો માટે ૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, આમાંથી ઉપરકોટને કેટલા રૂપિયા ફળવાય તે નક્કી નથી, પરંતુ અંદાજે તા ૭ થી ૧૦ કરોડના ઉપરકોટ વિકાસ માટે પ્રથમ ફેસ્માં આપવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. બાકી આ બજેટમાં ગિરનાર ક્ષેત્રના વિકાસ માટે રૂપિયા ૧૩૦ કરોડની કે કોઈ રકમ અલગ થી ફાળવવામાં આવી નથી. આ બાબતે જ્યારે ભાજપના અમુક નેતાઓને પૂછવામાં આવતા તેઓ ના જાણતા હોવાનું સ્વીકારી લીધું હતું પરંતુ અમુક મોટા ઉપાડે લોકોમાં પ્રસિદ્ધિ મેળવવા નીકળી પડેલા ભાજપના અમુક નેતાઓની અધૂરા જ્ઞાનની પોલ ખુલી જતા આ નેતાઓએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
તો બીજી બાજુ આ વખતે રાજ્ય સરકારે બજેટમાં જુનાગઢને કોણીએ ગોળ ચોટાડીઓ છે અને ઉપરકોટ વિકાસ માટે જે ૪૫ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે તેની સામે આ બજેટમાં ૩ સ્થળો વચ્ચે માટે માત્ર રૂ. ૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમ વિપક્ષ કહી રહ્યું છે. અને જૂનાગઢના ભાજપના નેતાઓને પુરુ જ્ઞાન નથી બજેટની ભાજપના અમુક અભિનેતા જેવા નેતાઓને ખબર નથી, માત્ર વાતોના વડા કરી જૂનાગઢને ઉલ્લુ બનાવવા અને ઊંધા ચશ્મા પહેરાવવા માટે આ નેતાઓ નીકળી પડ્યા હતા છે તેવા નિવેદનો બુદ્ધિજીવીઓ માથી મળી રહ્યા છે.
વિપક્ષ નેતાઓના વધુમાં જણાવ્યા અનુસાર બજેટ અંગે ભાજપના જે લોકો ૧૩૦ કરોડ ગીરનાર ક્ષેત્રમાં વિકાસ માટે ફાળવ્યા હોવાની અને ૨૦ કરોડ રૂપિયા ઉપરકોર્ટના વિકાસ માટે ફાળવ્યા હોવાની વાતો કરી રહ્યા છે તેમાં કોઇ તથ્ય નથી, વાસ્તવમાં આ લોકોએ બજેટને ખરા રીતમાં જાણ્યું નથી, માત્ર જાણમાં આવ્યું અને જાહેરમાં આવી ગયા તેવી આ નેતાઓએ અભિનેતા જેવી સ્ટાઇલ અપનાવી છે, ત્યારે હવે ભાજપના આ નેતાઓની સ્ટાઇલના સુરસુરિયું થઈ જવા પામ્યા છે