નારાજ કોર્પોરેટરોને મનાવવા સ્થાનિક નેતાઓની કવાયત: નારાજગીના પડઘા કમલમ્ સુધી પહોંચતા પ્રદેશના નિર્ણય ઉપર સૌની મીટ
અબતક
દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢ મનપાના મેયર માટે ભાજપ મોવડી દ્વારા ગીતાબેન પરમારની થયેલ પસંદગી મુદ્દે જૂનાગઢમાં ભાજપનું રાજકારણ ગરમાયું છે. અને અનુસૂચિત જાતિની આ બેઠક માટે ભાજપના મેયર પદના દાવેદાર એવા અન્ય પાંચ કોર્પોરેટરો દ્વારા અન્યાય થયો હોવાની લાગણી સાથે રાજીનામા ધરી દેવાની ચીમકી આપી છે, ત્યારે આ મામલો સુલટવા ભાજપના નેતાઓ દોડતા થયા છે, અને નારાજ કોર્પોરેટરોએ 4 દિવસનું અલટીમેટ આપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએથી કેવી શતરંજ ગોઠવાય છે અથવા શું નિર્ણય લેવામાં આવે છે તે તરફ સંબંધિતોની મીટ મંડાયેલી છે. જૂનાગઢ મનપામાં મેયર તરીકે ગત 31 જાન્યુઆરીના રોજ ગીતાબેન પરમારની મનપાના જનરલ બોર્ડમાં વરણી કરાઇ હતી, અને 1 ફેબ્રુઆરીએ મેયર પદનો ચાર્જ પણ સંભાળી લીધો હતો, તે સાથે જ નવા મેયરની પસંદગીને લઈને જુનાગઢ ભાજપમાં ભડકો થયો છે અને પોતાને અન્યાય થયો હોય તેમ જણાવી નારાજ પાંચ કોર્પોરેટરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ને પત્ર પાઠવી ચાર દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે સાથે યોગ્ય ન થાય તો રાજીનામું ધરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે, અને નેતાઓના મોબાઈલ વ્યસ્ત બન્યા છે, ક્યાંક મનામણા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, તો અમુક નેતાઓ, પદાધિકારીઓ પ્રદેશ સુધી પહોંચ્યા છે.જૂનાગઢ મનપાની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થતા પ્રદેશ ભાજપા દ્વારા પસંદ કરવામાં આવેલ કોર્પોરેટર ની મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તરીકે વરણી કરવામાં આવી હતી, જેમાં મેયર પદ શેડ્યૂલ કાસ્ટ, એસ.સી .માટે અનામત હતું. અને આ પદ માટે વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર વાલભાઈ આમ છેડા, વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર જીવાભાઇ સોલંકી અને બ્રિજેશાબેન ઘુઘલ, વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અશોકભાઈ ચાવડા, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર દિવાળીબેન પરમાર અને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર ગીતાબેન પરમાર મળી કુલ 6 દાવેદારો મેદાનમાં હતા ત્યારે ભાજપે ગીતાબેન પરમાર પર મેયર તરીકે નવો વિશ્વાસ મૂક્યો હતો જેને લઇને બાકીના પાંચ દાવેદારો નારાજ થયા હતા અને ભાજપના નાારાજ દાવેદારોના અસંતોષનો ચરુ હવે બહાર આવ્યો છે અને ગીતાબેન પરમાર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે. સાથોસાથ મેયર પદથી વંચિત રહી ગયેલા પાંચેય કોર્પોરેટરોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર પાઠવી નારાજગી વ્યક્ત કરી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ કરવામાં આવેલી આ રજૂઆતમાં મેયરની વરણીમાં થયેલ અન્યાય મુદ્દે યોગ્ય નિર્ણય કરવા ચાર દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. અને ચાર દિવસમાં યોગ્ય નિર્ણય નહીં થાય તો અનુસૂચિત જાતિ મોરચો, દલિત સમાજના અનુસૂચિત જાતિનો યુવા મોરચો વગેરે સ્વૈચ્છિક રાજીનામું ધરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. જુનાગઢ ભાજપમાં મેયરની કરવામાં આવેલ પસંદગી મુદ્દે થયેલ આ ભડકો શાંત કરવા જો કે, સ્થાનિક નેતાઓ અને ભાજપના વરિષ્ઠ આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ નારાજ દાવેદારો મક્કમ છે, તેવા સંજોગોમાં પ્રદેશ ભાજપા કેવો નિર્ણય લે છે તે ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે.